શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઇ આગચંપી
Image Source: Twitter
Manipur Violence: શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં જ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મણિપુરના જિરીબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો માટે મૈતેઈ અને હમાર સમુદાયો વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાના એક દિવસ બાદ જ તણાવ પેદા કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોળીબાર કરવામાં આવ્યો છે અને એક ખાલી પડેલા મકાનને આગ ચાંપી દેવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, શુક્રવારે રાત્રે લાલપાણી ગામમાં એક ખાલી મકાનને હથિયારધારી લોકોએ આગ ચાંપી દીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના એક તદ્દન જ અલગ વસાહતમાં બની હતી જ્યાં મૈતેઈ સમુદાયના કેટલાક લોકોના ઘરો છે અને જિલ્લામાં હિંસા ફાટી નીકળી ત્યારથી આમાંથી મોટાભાગના મકાનો ખાલી પડ્યા છે. બદમાશોએ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને આગચંપી શરૂ કરી દીધી હતી. બદમાશોની ઓળખ નથી થઈ શકી.
હિંસા બાદ સુરક્ષા દળોને વિસ્તારમાં તેહનાત કરાયા
અધિકારીઓએ જણાવ્યું કે હથિયારધારી લોકોએ વસાહતને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘટના બાદ સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા છે. ગુરુવારે આસામના કછારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક પ્રતિષ્ઠાનમાં યોજાયેલી બેઠકમાં મૈતેઈ અને હમાર સમુદાયના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી થઈ હતી. આ બેઠકનું સંચાલન જિરીબામ જિલ્લા વહીવટીતંત્ર, આસામ રાઈફલ્સ અને CRPF દ્વારા હાથ કરવામાં આવ્યું હતું જેમાં જિરીબામ જિલ્લાના થાડૌ, પૈતે અને મિઝો સમુદાયના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
મણિપુરમાં ચાલી રહેલી જાતીય હિંસામાં 200થી વધુ લોકોના મોત
આ સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા જારી કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બેઠકમાં એ સંકલ્પ દેવામાં આવ્યો છે કે, બંને પક્ષ સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરવા માટે તથા આગચંપી અને ગોળીબારની ઘટનાને રોકવા માટે સંભવ તમામ પ્રયાસ કરશે. બંને પક્ષ જિરિબામ જિલ્લામાં કાર્યરત સમામ સુરક્ષા દળોને સંપૂર્ણ સહયોગ આપશે. આગામી બેઠક 15 ઓગષ્ટના રોજ થશે. ગત વર્ષના મે મહિનાથી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ચાલુ જાતીય હિંસામાં 200થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.