મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, ઈમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
Manipur Violence: મણિપુરમાં ફરી વધી રહેલી હિંસાને ધ્યાનમાં રાખી રાજધાની ઈમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ગત રાત્રે મહિલાઓએ ડ્રોન હુમલાના વિરોધમાં મશાલ રેલી કાઢી હતી. બીજી તરફ સોમવારે દેખાવકારોએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો. વણસી રહેલી કાયદો વ્યવસ્થા અને હુમલાને ધ્યાનમાં રાખી તંત્રએ આ નિર્ણય લીધો છે. ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ અને થૌબલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
આગામી આદેશ સુધી આ કર્ફ્યુ લાગુ રહેશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જિલ્લામાં અનિશ્ચિત સમય સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈમ્ફાલ પૂર્વ અને ઈમ્ફાલ પશ્ચિમી જિલ્લામાં બીએનએસએસની કલમ 162 (2) લાગુ કરી દેવામાં આવી છે. ડીએમના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લામાં વણસી રહેલ કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી 10 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. આગામી આદેશ સુધી આ કર્ફ્યુ લાગુ રહેશે.
આવશ્યક સેવાઓને કર્ફ્યુમાંથી છૂટ
વીજળી, કોર્ટ, હેલ્થ સાથે મીડિયાને સહિતની આવશ્યક સેવાઓને કર્ફ્યુમાંથી છૂટ આપવામાં આવી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ડીજીપી અને સુરક્ષા સલાહકારને હટાવવા માટે વિદ્યાર્થીઓ મોટા પાયે પ્રદર્શન કરવાના છે. આવી સ્થિતિમાં ત્રણ જિલ્લામાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. શાળા-કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓ આખી રાત ખ્વારિમબાંદ માર્કેટમાં રોકાયા હતા. મહિલાઓએ તેમને કેમ્પ લગાવવા માટે જગ્યા આપી. સોમવારે હજારો વિદ્યાર્થીઓએ મણિપુર સચિવાલય અને રાજભવનની બહાર પ્રદર્શન કર્યું હતું. હિંસાની તાજેતરની ઘટનાઓમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી
વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી. વિદ્યાર્થીના પ્રતિનિધિએ જણાવ્યું કે, અમે સરકાર સામે 6 માગ મૂકી છે. તેમાં ડીજીપી અને સુરક્ષા સલાહકારને હટાવવાની માગ પણ સામેલ છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ યૂનિફાઈડની કમાંડ પણ રાજ્ય સરકારને સોંપવાની વાત કહી છે. હાલમાં તેની જવાબદારી સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહ પાસે છે.