ભાજપ વધુ એક મુખ્યમંત્રીનું રાજીનામું મૂકાવે તેવા એંધાણ, આ રાજ્યના ધારાસભ્યોના દિલ્હીમાં ધામા
Biren Singh: મણિપુરમાં હજુ પણ હિંસાના અહેવાલો આવી રહ્યા છે. અને અશાંતિની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી બિરેન સિંહનું પદ પણ ખતરામાં આવી ગયું છે. અને એવી અટકળો પણ લગાવાઈ રહી છે કે પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે. રાજ્યના કેટલાક ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. જો કે સીએમ બિરેન સિંહે આને માત્ર અફવા ગણાવી છે.
બિરેન સિંહે અટકળોને અફવા ગણાવીને ફગાવી
મણિપુરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી હિંસા ભડકી રહી છે. જેના પગલે ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે હવે સંભવિત નેતૃત્વ પરિવર્તનની ગણગણાટ શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સરકારના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા બાદ આવી અટકળો વધુ તેજ બની છે. જોકે, સીએમ બિરેન સિંહે આવી અટકળોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે 'કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થને કારણે આવી અફવાઓ ફેલાવી રહ્યા છે.' જોકે, મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે 'તેમના કેટલાક ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે.' તેમનો દાવો છે કે 'આ ધારાસભ્યો મણિપુરમાં જાતિય હિંસાનો ઉકેલ શોધવા માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના નેતાઓને મળવા ગયા છે.'
રાજીનામાં માટે કોણ કોણ દબાણ કરી રહ્યું છે
થોડા દિવસો પહેલા એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે મણિપુર સરકારના સહયોગી નાગા પીપલ્સ ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી અને જેડીયુ મુખ્યમંત્રી પર રાજીનામું આપવા દબાણ બનાવી રહ્યા છે. એક સમાચાર ચેનલે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 'એન બીરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવીને નવા મુખ્યમંત્રી બનાવવા માટે ભાજપ નેતૃત્વને મનાવવા માટે ઘણી વખત પ્રયાસો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બિરેન સિંહ 2017માં મણિપુરના મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યમાં ગત વર્ષે મે મહિનાની ત્રીજી તારીખે હિંસા ફાટી નીકળી હતી.
ભાજપને લોકસભાની ચૂંટણીમાં હાર સહન કરવી પડી
લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને મણિપુરમાં પણ હાર સહન કરવી પડી હતી. રાજ્યમાં કોંગ્રેસે બંને બેઠકો કબજે કરી હતી. શુક્રવારે મુખ્યમંત્રી અને તેમના સાથી પક્ષો વચ્ચે બેઠક થઈ હતી. રાજ્યની કુલ 60 બેઠકોમાંથી 53 એનડીએ પાસે છે, જેમાંથી 37 ભાજપ પાસે છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મણિપુરમાં શાંતિ સ્થાપવા અંગે વડાપ્રધાન મોદીને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે.