મણિપુરના CM બીરેન સિંહે આપ્યું રાજીનામું, સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા ગૃહ મંત્રાલયનો આદેશ
Manipur CM Biren Singh Resignation : મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલાં જ બિરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.
ભાજપ ધારાસભ્યો મણિપુરના સીએમથી નારાજ
છેલ્લા ઘણા સમયથી બિરેન સિંહ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ હતા. મણિપુરમાં ભાજપના 19 ધારાસભ્યોએ બિરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ઓક્ટોબર-2024માં માંગ કરી હતી અને તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં વિધાનસભાના અધ્યક્ષ થોકચોમ સત્યવ્રત સિંહ, મંત્રી થોંગમ વિશ્વજીત સિંહ અને યુમનામ ખેમચંદ સિંહનું નામ સામેલ છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, મણિપુરના લોકો ભાજપ સરકારને સવાલ કરી રહ્યા છે કે, રાજ્યમાં હજુ સુધી શા માટે શાંતિ સ્થાપવામાં આવી નથી. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ધારાસભ્યો રાજીનામા આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.
મણિપુરમાં બે વર્ષ ચાલી હિંસા
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે 3 મે-2023ના રોજથી હિંસા ભડકી હતી. ત્યારબાદ આ હિંસા સતત બે વર્ષ સુધી ચાલતી રહી. હિંસા માત્ર મણિપુરનો જ નહીં દેશ માટે પણ ગંભીર મુદ્દો બનેલો હતો. રાજ્યમાં બે સમુદાયો વચ્ચે તણાવ વધવાના કારણે અનેક વખત હિંસક ઘટનાઓ બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકોએ પોતાનું ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું. બંને સમુદાયો વચ્ચે જમીન, અનામત અને રાજકારણમાં પ્રતિનિધિત્વ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સમુદાયે રાજ્યની સરકાર પર પક્ષપાતી કરવાનો આરોપ લગાવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યના અનેક સ્થળોએ હિંસાની ઘટનાઓ બની, જેમાં અનેક લોકોને અસર થઈ. કેન્દ્ર સરકારે સ્થિતિ કાબૂમાં લેવા માટે વધારાનો પોલીસ ફોર્સ તહેનાત કરેલો છે.