મણિપુરમાં સ્થિતિ બેકાબુ, 5000 જવાનો તૈનાત, 50 દિવસમાં 16 હિંસક ઘટના, 12 દિવસમાં 20ના મોત
Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હિંસા અને તણાવનો માહોલ સર્જાયો છે. તાજેતરની હિંસામાં ધારાસભ્યો અને મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લગભગ 5,000 વધારાના કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા છે. 7 નવેમ્બરના રોજ જીરીબામ જિલ્લાના જયરાવન ગામમાં કુકી સમુદાયની એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.
મીડિયા અહેવાલ મુજબ, 1 ઓક્ટોબરથી 18 નવેમ્બર દરમિયાન જીરીબામ જિલ્લામાં હત્યા, આગચંપી અને ગોળીબાર સહિતની હિંસાની ઓછામાં ઓછી 16 અલગ-અલગ ઘટનાઓ બની હતી. જીરીબામમાં 7 નવેમ્બરથી 18 નવેમ્બર વચ્ચે થયેલી અથડામણમાં 20 લોકો માર્યા ગયા હતા. જીરીબામ અને મૈતેઈ-પ્રભુત્વ ધરાવતા ખીણ વિસ્તારોમાં મોટાપાયે હિંસક હુમલાઓ થયા હતાં.
આ પણ વાંચોઃ RBI Fake Video : ગવર્નરનો ફેક વીડિયો જોઈને ઈન્વેસ્ટ ન કરતા, નાગરિકોને કરાયા એલર્ટ
11 નવેમ્બરે મોટો વિવાદ
11 નવેમ્બરના રોજ સૌથી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં કુકી સમુદાયના આતંકવાદીઓએ જિરીબામમાં જાકુરધોર અને બોરોબેકરા પોલીસ સ્ટેશનો નજીક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ચોકીઓ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં 10 કુકી આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલા દરમિયાન, આતંકવાદીઓએ ઘણી દુકાનો અને મકાનોને આગ લગાડી હતી, તેમાં બે નાગરિકોના મોત થયા હતા.
હુમલાખોરોએ એક જ પરિવારના છ લોકોનું અપહરણ કર્યું હતું, જેમની પાછળથી હત્યા કરવામાં આવી હતી. આસામમાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકો મૈતેઈ સમુદાયના હતા.
નાગા વિસ્તારોમાં પણ હિંસા
મણિપુરમાં લગભગ 19 મહિનાથી તણાવ ચાલી રહ્યો છે, પરંતુ હિંસાની ગરમી હજુ સુધી નાગા આદિવાસીઓના વસવાટવાળા વિસ્તારોમાં પહોંચી ન હતી. પરંતુ હવે ધીમે ધીમે નાગા વિસ્તારોમાં પણ હિંસા ફેલાવા લાગી છે. આ મહિનાની શરૂઆતમાં નોની જિલ્લામાં કથિત રીતે કુકી આતંકવાદીઓ દ્વારા બે ટ્રકોને આગ ચાંપવામાં આવ્યા બાદ નાગા અને કુકી સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. 2 ઓક્ટોબરે, ઉખરુલ જિલ્લામાં નાગા પ્રભુત્વવાળા વિસ્તારમાં બે ગામો વચ્ચેની અથડામણ પછી, એક પોલીસ શસ્ત્રાગાર લૂંટી લેવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને 40 અન્ય ઘાયલ થયા હતા.