મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં બેના મોત, BJP નેતા સહિત પાંચ ઈજાગ્રસ્ત

કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ગોળીબાર, પોલીસનો કાફલો ખડકાયો

કડાંગબંધ અને કૌટુંક ગામની મહિલાઓ, બાળકો, વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં બેના મોત, BJP નેતા સહિત પાંચ ઈજાગ્રસ્ત 1 - image


Manipur Violence : મણિપુરમાં ગોળીબાર અને હિંસા અટકવાનું નામ લેતી નથી. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચેના ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને એક ભાજપ નેતા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમશાંગ વિસ્તારમાં કડાંગબંધ ગામ પાસે એક શિબિરમાં બની છે.

અજાણ્યા બંદૂકધારીઓનો ગોળીબાર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘અજાણ્યા બંદૂકધારીઓના હુમલા બાદ ગ્રામના સ્વયંસેવકોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંને તરફી ગોળીબાર શરૂ થયો અને એક સ્વયંસેવકનું મોત નિપજ્યું જ્યારે બીજો ઈજાગ્રસ્ત થયો છે. શરૂઆતમાં સમાધાન બાદ હુમલાખોરો ફરી એક થયા અને બીજો હુમલો કર્યો. હાલ બંને તરફી ગોળીબાર થઈ રહ્યો છે.’

મહિલા, બાળકો, વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ગોળીબારની ઘટનાને ધ્યાને રાખી કડાંગબંધ અને પડોશી કૌટુંક ગામની ઘણી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો મોકલાયો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, સ્થિતિ થાળે પાડવા વધારાના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવે.

પાંચ ઈજાગ્રસ્તોમાંથી એક ભાજપનો નેતા

ઈજાગ્રસ્ત વ્યકિતઓને ઈમ્ફાલ પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થામાં ખસેડાયા છે. આ ઘટના કૌટુંક અને કદાંગબંધના ગ્રામવાસીઓ વચ્ચે જાતીય હિંસાના કારણે બની છે અને શસ્ત્રોથી સજ્જ બે વિરોધી સમુદાયોના જૂથો વચ્ચે ઘણીવાર હિંસા જોવા મળી છે. પાંચ ઈજાગ્રસ્તોમાં ભાજપનો એક નેતા પણ સામેલ છે.

મણિપુર હિંસામાં 180થી વધુ લોકોના મોત

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ગત વર્ષે ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં 180થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.


Google NewsGoogle News