મણિપુરમાં આસામ રાઈફલ્સના જવાનો પર હુમલો, આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યા બાદ આડેધડ ફાયરિંગ કર્યું
મણિપુરના ટેંગ્નોપાલ જિલ્લામાં આસામ રાઈફલ્સના જવાનો પર જીવલેણ હુમલો
તમામ જવાનો સુરક્ષિત, હુમલા બાદ વિસ્તારને ચારેકોરથી ઘેરી શોધખોળ અભિયાન શરૂ કરાયું
ઈમ્ફાલ, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર
મણિપુર (Manipur Violence)માં મોટી આતંકવાદી ઘટના સામે આવી છે. રાજ્યના ટેંગ્નોપાલ જિલ્લામાં આસામ રાઈફલ્સ (Assam Rifles)ના જવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ જવાનો પર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કરાયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ તમામ જવાનો સુરક્ષિત હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સુરક્ષા જવાનો સાવધાન થઈ ગયા છે અને જે વિસ્તારમાં ઘટના બની ત્યાં સુરક્ષા દળોએ કથિત આતંકવાદી હુમલાખોરોને પકડવા માટે કવાયત શરૂ કરી છે.
હુમલાખોરોને પકડવા માટે કવાયત શરૂ કરાઈ
સૂત્રોના જણાવ્યા મુજબ F/20 આસામ રાઈફલ્સની એક ટીમ ભારત-મ્યાનમાર બોર્ડર (India-Myanmar Border) પાસે આવેલ ટેંગનૌપાલ પોલીસ સ્ટેશન વિસ્તારના નારુમ શૈબોલ (મારિંગ નાગા ગામ)માં તૈનાત હતી. આ દરમિયાન આજે સવારે 8.30 કલાકે કેટલાક અજાણ્યા હથિયારધારી બદમાશોએ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો કયા સંગઠન દ્વારા કરાયો છે, તેની કોઈ માહિતી સામે આવી નથી. જોકે હાલ આ વિસ્તારમાં ફાયરિંગ ચાલુ હોવાનું કહેવાય છે. આ વિસ્તારને સુરક્ષા દળોએ ચારેકોરથી ઘેરી લીધું છે અને હુમલાખોરોને પકડી પાડવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
આતંકીઓએ IED બ્લાસ્ટ બાદ ફાયરિંગ કર્યું
અધિકારીઓએ જણાવ્યું કે, સેનાનું વાહન મજબુત અને સુરક્ષિત હોવાથી હુમલામાં કોઈપણ સૈનિક ઈજાગ્રસ્ત થયો નથી. તેમણે કહ્યું કે, આઈઈડી વિસ્ફોટ બાદ આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. સુરક્ષા જવાનોએ વિસ્તારને ચારેકોરથી ઘેરી લીધો છે. મોટાપાયે શોધખોળ અભિયાન ચલાવાઈ રહ્યું છે.