Get The App

3 વર્ષના માસૂમને માથા-ચહેરા પર ગોળીઓ મારી...' મણિપુરથી રૂંવાડા ઊભા કરી દેતા અહેવાલ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
3 વર્ષના માસૂમને માથા-ચહેરા પર ગોળીઓ મારી...' મણિપુરથી રૂંવાડા ઊભા કરી દેતા અહેવાલ 1 - image


Manipur Violence: મણિપુરથી રૂંવાડા ઊભા કરી દેતા અહેવાલ સામે આવી રહ્યા છે. મણિપુરના જીરીબામમાં અપહરણ કરેલા પરિવારના સભ્યો સાથે કુકી આતંકવાદીઓએ હેવાનિયતની હદ વટાવી દીધી છે. તેનો સંપૂર્ણ અહેવાલ પોસ્ટમોર્ટમ બાદ સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્રણ વર્ષના બાળકને પણ નહોતો છોડ્યો. અહેવાલ પ્રમાણે બાળકને પણ એવું મોત આપવામાં આવ્યું હતું જેવું માણસ તેના દુશ્મનોને પણ નથી આપતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે ત્રણ વર્ષના માસૂમ બાળકને માથા અને ચહેરા પર ગોળી મારી હતી. આ ઉપરાંત તેના માથામાં લોખંડના સળિયા વડે પણ પ્રહાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ આસામ બોર્ડર પર બરાક નદીના કિનારે છ મૃતદેહો મળી આવ્યા હતા. આમાંથી ત્રણ પહેલા મળી આવ્યા હતા તેથી તેમનો ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે. ત્રણ વર્ષના બાળકની સાથે તેની માતા અને દાદીના મૃતદેહ મળી આવ્યા હતા.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, માતા અને દાદીના શરીર પર પણ ગોળી અને ઈજાના નિશાન હતા. વિસરા રિપોર્ટની કેમિકલ એનાલિસિસ રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો. આવી સ્થિતિમાં મોતનું કારણ જાણી શકાયું નથી. બાળકની માતાને છાતી અને પીઠમાં ગોળી વાગી હતી. બીજી તરફ દાદીની છાતી, ખોપડી, પેટ અને હાથ પર ગોળીના નિશાન મળી આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે બાળકની માતાની હત્યા બે દિવસ પહેલા જ કરી દેવામાં આવી હતી. બાળકની આઠ વર્ષની બહેન, 8 મહિનાના નવજાત બાળક અને માસીના ઓટોપ્સી રિપોર્ટ હજુ નથી આવ્યા.

આ પણ વાંચો: મણિપુરમાં ઉગ્રવાદીઓએ એક જ પરિવારના 6 સભ્યોનું અપહરણ કર્યું, 3નાં મૃતદેહ મળતાં હડકંપ

આ મૃતદેહો જીરીબામ જિલ્લામાં બરાક નદીના કિનારેથી મળી આવ્યા હતા. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ આ મૃતદેહોને SMCH શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા. નવજાત શિશુએ ટી-શર્ટ અને બનિયાન પહેરેલા હતા. તેની જમણી આંખ પણ ગાયબ હતી. નવજાત શિશુના શરીર પર પણ ગોળીઓના નિશાન હતા. મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે, બાળકના જમણા હાથ પર ગોળીના નિશાન અને ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત લીવર, કીડની અને અન્ય અંગો સડવાના શરૂ થઈ ગયા હતા. 

કુકી આતંકવાદીઓએ જીરીબામના કેમ્પમાંથી છ પરિવારના સભ્યોનું અપહરણ કર્યું હતું

બે દિવસ પછી તેની માતા અલ હેટોમ્બીનો મૃતદેહ પણ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું કે શરીર પર ગોળીઓના અનેક નિશાન હતા. લગભગ સાત દિવસ પહેલા મહિલાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બાળકની દાદીના માથા, પેટ અને છાતી પર ગોળીઓના નિશાન હતા. 11 નવેમ્બરના રોજ કુકી આતંકવાદીઓએ જીરીબામના કેમ્પમાંથી છ પરિવારના સભ્યોનું અપહરણ કર્યું હતું. આ ઉપરાંત આતંકવાદીઓએ બે લોકોને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 10 આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.


Google NewsGoogle News