Get The App

રાહુલ-પ્રિયંકા ગાંધી અંગે દિગ્ગજ નેતાની ભવિષ્યવાણી, કોંગ્રેસને આપી મહત્ત્વપૂર્ણ સલાહ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
રાહુલ-પ્રિયંકા ગાંધી અંગે દિગ્ગજ નેતાની ભવિષ્યવાણી, કોંગ્રેસને આપી મહત્ત્વપૂર્ણ સલાહ 1 - image


Mani Shankar Aiyar’s BIG Claim: વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરની આત્મકથાનો બીજો ભાગ 'A Maverick in Politics' રિલીઝ થઈ ગયો છે. આ પુસ્તકમાં તેમણે કોંગ્રેસના ભવિષ્ય અને ગઠબંધનની રાજનીતિ સહિત અનેક મહત્ત્વના મુદ્દે વાત કરી છે. આ પુસ્તકમાં અય્યરે પોતાની રાજકીય સફર સહિત કોંગ્રેસ સાથે સંકળાયેલા અનેક મુદ્દા છેડ્યા છે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અય્યરે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની તુલના નેહરુ અને પટેલની જોડી સાથે કરી હતી. અય્યરે કહ્યું કે, ‘સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે લખનારા લોકોએ નેહરુ અને પટેલની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું હતું કે, આ જોડીએ જ દેશને ઊભો કર્યો અને શાસન કર્યું. તે સમયના નિષ્ણાતોએ તે બંનેને એકબીજાના પૂરક ગણાવ્યા હતા.’

રાહુલ-પ્રિયંકા આગામી 30 વર્ષ સુધી કોંગ્રેસનો ચહેરો 

મણિશંકર અય્યરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'પ્રિયંકા ગાંધી છેલ્લા 6 અઠવાડિયાથી સાંસદ છે. હવે આપણે તેમનામાં ભવિષ્ય જોઈએ છીએ. નેહરુ અને પટેલની જોડીએ દેશને ઉભો કર્યો હતો. મને ખાતરી છે કે રાહુલ અને પ્રિયંકાની જોડી પણ આવી જ બનશે. મને લાગે છે કે આ બંને આગામી 30 વર્ષ સુધી કોંગ્રેસનો ચહેરો હશે. મને બંને વચ્ચે કોઈ સ્પર્ધા નથી દેખાતી. એ લોકોએ નક્કી પણ કરી લીધું હશે કે કેવી રીતે રહેવું. પરિવાર તરફથી કોંગ્રેસનો ચહેરો રાહુલ ગાંધી રહેશે પરંતુ પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન પ્રિયંકા ગાંધીનું રહેશે. એ બંનેને અલગ કરવાનો કોઈપણ પ્રયાસ સફળ થશે નહીં. ભવિષ્યમાં આપણે રાહુલ ગાંધી અને પ્રિયંકાની કોંગ્રેસ જોઈશું.

કોંગ્રેસને આપી મહત્ત્વપૂર્ણ સલાહ 

કોંગ્રેસ લીડરે ઈન્ટરવ્યૂમાં પાર્ટીને એક મહત્ત્વપૂર્ણ સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે એવું ન વિચારવું જોઈએ કે તેમના સિવાય કોઈ અન્ય નેતા I.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ નહીં કરી. તેમણે કહ્યું, 'આ સમયે આ બહુ મહત્વનો પ્રશ્ન નથી. તેમ છતાં હું કહીશ કે, કોંગ્રેસે I.N.D.I.A. બ્લોકના લીડરનું પદ છોડવા માટે તૈયાર રહેવું જોઈએ. જે પણ નેતા બનવા માગતા હોઈ તેમને બનાવી દેવા જોઈએ. મમતા બેનર્જી પાસે આ કરવાની ક્ષમતા છે. અન્ય નેતાઓ પાસે પણ ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે તાકાત અને જરૂરી પ્રતિભા ધરાવે છે. તેથી, હું માનું છું કે ગઠબંધનનું નેતૃત્વ કોણ કરે છે તે મહત્વનું નથી. કોંગ્રેસ ચોક્કસપણે કેન્દ્રીય ભૂમિકામાં રહેશે. મને લાગે છે કે જો રાહુલ ગાંધી હવે મહાગઠબંધનના લીડર ન રહે તો પણ તેમનું સન્માન તેના કરતા પણ વધુ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમિત શાહના નિવેદનની ટીકા ભારે પડી! RLDના પ્રવક્તાની પાર્ટીમાંથી કરાઈ હકાલપટ્ટી

અય્યરે કોંગ્રેસને અનેકવાર ફસાવી ચૂક્યા છે 

તમને જણાવી દઈએ કે, મણિશંકર અય્યરે હાલમાં જ એમ પણ કહ્યું હતું કે, મારું કરિયર જો ગાંધી પરિવારે બનાવ્યું તો તેણે જ બગાડ્યું પણ છે. તેમણે કહ્યું હતું કે, હું લાંબા સમયથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાત કરી શક્યો નથી. પીએમ નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા સહિત આવા ઘણા નિવેદનો આવ્યા છે, જ્યારે અય્યરે કોંગ્રેસને જ ફસાવી દીધી હતી. એવું માનવામાં આવે છે કે તેઓ સતત વિવાદોમાં ફસાયા હોવાથી પાર્ટીએ તેમનાથી અંતર જાળવી રાખ્યું છે.


Google NewsGoogle News