'આપણી પાસે સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત છે, વાતચીતની નહીં', મણિશંકર અય્યરે ફરી કર્યા પાકિસ્તાનના વખાણ
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે શનિવારે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો હતો
| ||
Mani shankar aiyar on Pakistan and Modi Government | આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા મથામણ ચાલી રહી છે. લોટ, ખાંડ, તેલ, વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ માટે તરસતી પાકિસ્તાનની પ્રજા નવી સરકારની રાહ જોઈ રહી છે. લગભગ આખી દુનિયાની નજરો હાલ પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી પર છે. ત્યારે ભારતના પૂર્વ ભારતીય રાજદ્વારી અને કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનમાં જઈને કંઇક એવું કહી દીધું છે કે જેને લઈને ફરી વિવાદ છંછેડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તેઓ પાકિસ્તાનમાં રાજદૂત રહી ચૂક્યા છે.
પાકિસ્તાનમાં જઈને મોદી સરકાર સામે નિશાન તાક્યું
પાકિસ્તાન પહોંચીને કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે મોદી સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે હું પાકિસ્તાનના લોકોને બસ એટલું કહીશ કે તે યાદ રાખે કે મોદીને ક્યારેય એક તૃતીયાંશથી વધુ વોટ નથી મળ્યાં પણ અમારી સિસ્ટમ એવી છે કે જો તેમની પાસે એક તૃતીયાંશ વોટ છે તો તેમની પાસે બે તૃતીયાંશ સીટ પહોંચી જાય છે. એટલા માટે બે તૃતીયાંશ ભારતીયો પાકિસ્તાનીઓને આવકારવા તૈયાર જ છે તમારે એમ માનવું.
કહ્યું - આ મોદી સરકારની સૌથી મોટી ભૂલ
મણિશંકર અય્યરે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી એ મોદી સરકારની સૌથી મોટી ભૂલ છે. મોદી સરકાર પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ છે પણ ટેબલ પર બેસીને વાતચીત કરવાનું સાહસ નથી. બંને દેશોમાં નાગરિકોએ વાતચીત ચાલુ રાખવી જોઈએ.
પાકિસ્તાનની મહેમાનનવાજીની કરી પ્રશંસા
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે શનિવારે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કાર્યક્રમમાં વીતાવેલી ક્ષણો વિશે તેમના અનુભવ શેર કર્યા હતા. પાકિસ્તાનના સંબંધો વિશે ચર્ચા દરમિયાન તેઓ બોલ્યાં કે મને ક્યારેય એવા દેશમાં જવાની તક નથી મળી જ્યાં મુક્તમને અને ઉષ્માભેર મારું સ્વાગત થયું હોય. આવું સ્વાગત પાકિસ્તાનમાં થયું. તેમણે પાકિસ્તાનીઓને હિન્દુસ્તાનની સૌથી મોટી સંપત્તિ ગણાવી હતી.
કરાચીમાં પોસ્ટિંગના દિવસોને યાદ કર્યા
'હિજ્ર કી રાખ, વિસાલ કે ફૂલ' કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે મારા અનુભવે પાકિસ્તાનમાં એવા લોકો છે જે કદાચ બીજા પક્ષ પ્રત્યે જરૂર કરતાં વધારે પ્રતિક્રિયા આપે છે. જો આપણે મિત્રવત છીએ તો અતિ મિત્રવત છીએ અને જો આપણે શત્રુતાપૂર્ણ છીએ તો વધારે શત્રુતા રાખીએ છીએ.આ દરમિયાન તેમણે કરાચીમાં મહાવાણિજ્ય દૂત તરીકે તેમની પોસ્ટિંગના દિવસોને યાદ કરતાં કહ્યું કે જ્યારે હું પાકિસ્તાનમાં હતો તો દરેક વ્યક્તિ મારું અને મારી પત્નીનું સારસંભાળ રાખતું હતું.