Get The App

'વિવાદિત' દિગ્ગજ નેતાએ કોંગ્રેસને 'કમબેક' કરવા આપ્યો મંત્ર, કહ્યું - એનો મોહ છોડવો પડશે!

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
Manishankar Aiyar


Manishankar Aiyar on India Alliance: કોંગ્રેસને અનેક ચૂંટણીઓમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ ખરાબ રીતે ચૂંટણી હારી છે. જે બાદ પાર્ટી પર અનેક સવાલો ઉભા થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસ કઈ રીતે કમબેક કરી શકે તે અંગેના રોડમેપ વિશે વાત કરી છે. જેથી પાર્ટીને આવનારી ચૂંટણીમાં ફાયદો મળે. 

ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્ત્વની લાલચ છોડવી પડશે 

મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'કોંગ્રેસ જ્યાં સુધી વિપક્ષમાં છે કમસે કમ ત્યાં સુધી તો પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્ત્વ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. કોંગ્રેસે ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વની લાલચ છોડવી પડશે.'

ગઠબંધનના તમામ પક્ષોને સન્માન આપો- ઐયર

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે વધુમાં કહ્યું કે, 'જ્યારે ઈન્ડિયા ગઠબંધન થયું ત્યારે હું ખૂબ ખુશ હતો. કારણ કે હું લાંબા સમયથી આની તરફેણ કરી રહ્યો છુ. મેં અગાઉ પણ આ પ્રકારનું ગઠબંધન બનાવવાની માંગ કરી હતી. જો કોંગ્રેસે આગળ વધવું હશે તો મહાગઠબંધનના તમામ પક્ષોના લોકોનું સન્માન કરવું પડશે.'

તેમણે કહ્યું કે ગઠબંધનમાં કોઈ વિરોધ કે આંતરિક વિખવાદ ન થાય તે સુનિશ્ચિત કરવાનું કામ કોંગ્રેસનું છે. જો આમ થશે તો એકતાનો સંદેશ જશે અને આવનારા સમયમાં કોંગ્રેસને ગઠબંધન થકી જ મદદ મળશે.

મહાગઠબંધનના નેતૃત્વને લઈને સવાલો ઉભા થયા છે

મહારાષ્ટ્રની ચૂંટણીમાં હાર થઈ ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્ત્વ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમજ ટીએમસી સાંસદે નેતૃત્ત્વ બદલવાની માંગણી કરનાર સૌપ્રથમ હતા. મમતા બેનર્જીને મહાગઠબંધનના નેતા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી, આ માંગને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે પણ સમર્થન આપ્યું હતું. તેમણે ગઠબંધનનું નેતૃત્ત્વ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપવાની વાત કરી હતી.

મમતા બાદ સમાજવાદી પાર્ટીના નેતૃત્ત્વ પર પણ સવાલો ઉભા થયા હતા અને કહેવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્ત્વ સોંપવું જોઈએ.


Google NewsGoogle News