'પાકિસ્તાનને માન આપો, તેની પાસે પરમાણુ બોમ્બ છે...' કોંગ્રેસના વધુ એક વિવાદાસ્પદ નેતાનો બફાટ
Lok Sabha Elections 2024 | વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.
શું બોલ્યાં મણિશંકર અય્યર...?
મણિશંકર ઐયરે કહ્યું કે ‘ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે. ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે વાતચીત ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.’
અમૃતસર પહોંચવામાં આઠ સેકન્ડ નહીં લાગે...
મણિશંકરે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ છે પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરથી છોડવાનું નક્કી કરે તો શું થાય. આ રેડિયેશનને અમૃતસર પહોંચવામાં આઠ સેકન્ડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ પાગલ આવીને બોમ્બ ફેંકશે.’
પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ‘હું એમ નથી કહેતો કે આપણે વિચારવું જોઈએ કે આપણી સમસ્યાઓ કેવી રીતે હલ થશે? આ નિષ્ણાતોનું કામ છે. હું માત્ર એટલું જ કહું છું કે તમે નફરત દર્શાવીને કે બંદૂક બતાવીને પરિસ્થિતિ સુધારી શકતા નથી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેનું સન્માન પણ છે. તેમનું માન જાળવીને આપણે કડકાઈથી બોલવું જોઈએ. હવે શું થઈ રહ્યું છે? અમે વાત નથી કરી રહ્યા, આનાથી તણાવ વધી રહ્યો છે.’
છેલ્લાં 10 વર્ષોથી વાતચીત બંધ છે
અય્યરે કહ્યું કે ‘અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી તમામ વાતો બંધ છે. જ્યારે બીજી વ્યક્તિ પાસે તાકાત ન હોય ત્યારે આપણે તાકાત બતાવવી જોઈએ. તેની તાકાત રાવલપિંડીમાં પડેલી છે. ગેરસમજ ફેલાશે તો ઘણી તકલીફ થશે. રાજીવ ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધના ભય વચ્ચે શાંતિનો માર્ગ શોધી કાઢ્યો હતો. પરંતુ આજના સમયમાં પાકિસ્તાન સાથે શાંતિની શક્યતાઓ છે પરંતુ મોદીજી યુદ્ધનો માર્ગ શોધી રહ્યા છે.’