મંત્રીના બંગલૉમાં દેખાઈ અજાયબી, લીમડાના વૃક્ષ પર કેરીઓ ઊગી! જેણે જોયું એનું માથું ફરી ગયું
Image Source: Twitter
Mango Fruit On Neem Tree: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો છે. પંચાયત ગ્રામ વિકાસ અને શ્રમ વિભાગના મંત્રી પ્રહલાદ સિંહ પટેલના બંગલૉમાં લીમડાના વૃક્ષ પર કેરીના ફળ લટકતા જોવા મળ્યા છે. મંત્રી પોતે પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોને જોઈને તમામ લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પણ લીમડાના વૃક્ષ પર સ્પષ્ટ રસદાર કેરીના ફળ લટકતા જોવા મળી રહ્યા છે. પટેલે ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે, ભોપાલ નિવાસસ્થાન પર લીમડાના વૃક્ષ પર કેરીના ફળને નજીક જઈને જોયા મારું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. કોઈક કુશળ માળીએ વર્ષો પહેલા આ પ્રયોગ કર્યો હશે, જે આશ્ચર્યથી ઓછું નથી.
લીમડાનું વૃક્ષ લગભગ 20 થી 25 વર્ષ જૂનું છે અને પ્રહલાદ પટેલને આ વર્ષે જ આ બંગલૉ મળ્યો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાન બાદ રાજધાનીના તમામ બંગલૉમાં સૌથી મોટો છે. B-7 બંગલો ભોપાલની પ્રોફેસર કોલોની પાસે સિવિલ લાઈનમાં આવેલો છે. તેમના બંગલૉની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવ્યા છે.
તેમાં એક લીમડાનું ઝાડ પણ છે. આ બંગલૉમાં હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે જેનું નિરીક્ષણ કરવા માટે પટેલ અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની નજર એક લીમડાના ઝાડ પર પડી જેના પર કેરીના ફળ લટકી રહ્યા હતા. હકીકતમાં લીમડાના ઝાડ પર એક ડાળી આંબાની પણ છે, જે રસદાર ફળોથી ભરેલી છે. આ જોઈને તે મંત્રી પણ ચોંકી ગયા.
શું આ શક્ય છે?
વનસ્પતિશાસ્ત્રી પ્રતિભા સિંહે કહ્યું કે, એવું શક્ય છે કે લીમડાના ઝાડમાં આંબાનું વૃક્ષ ઉગી આવ્યું હોય. ઘણી વખત મોટા વૃક્ષમાં કેરીની ગોટલી પડી જાય છે તો તેનો છોડ ઉગી આવે છે અને તે મોટું વૃક્ષ બનીને ફળ પણ આપે છે.