'ચૂંટણી પછી જોઈશું, હું ભાજપમાં છું અને...' વરુણની ટિકિટ કપાયા બાદ મેનકા ગાંધીએ તોડ્યું મૌન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતા અને પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ રદ થયાના ઘણા દિવસો બાદ તેમના માતા મેનકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. આ ચૂંટણીમાં ભાજપે વરુણ ગાંધીની જગ્યાએ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી જિતિન પ્રસાદને ટિકિટ આપી છે. વરુણ ગાંધી 2009માં પીલીભીત બેઠક પરથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી, તેઓ 2014માં સુલતાનપુર અને 2019માં ફરી એકવાર પીલીભીત બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ચૂંટણી પછી જોઈશું : મેનકા ગાંધી
ચૂંટણી પ્રચાર માટે સોમવારે સુલતાનપુર પહોંચેલા મેનકા ગાંધીએ પુત્રને ટિકિટ ન મળવાના સવાલ પર કહ્યું કે, ચૂંટણી પછી જોઈશું. હજુ લાંબો સમય છે. હું ભાજપમાં છું અને હું આ પાર્ટીમાં છું તેનો મને ઘણો આનંદ છે. જોકે તેમણે આનાથી આગળ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપે મેનકા ગાંધીને સુલતાનપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુલતાનપુર અને પીલીભીતની બેઠક મેનકા ગાંધી અને વરુણ ગાંધી પાસે રહી છે. મેનકા ગાંધી 2014ની ચૂંટણીમાં પીલીભીતથી સાંસદ હતા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે આ બેઠક તેમના પુત્ર વરુણ ગાંધીને આપી હતી.
વરુણ અઢી લાખથી વધુ મતોથી જીત્યા
વરુણ ગાંધીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પાર્ટી તેમના હાલના વલણથી નારાજ છે. છેલ્લા કેટલાક મહિનામાં વરુણ ગાંધીએ અનેકવાર ઈશારા દ્વારા કેન્દ્ર અને યોગી સરકારના કામ પર સવાલો ઉઠાવ્યા છે. બેરોજગારીના મુદ્દા પર તેમના નિવેદનોથી સરકારની બદનામી પણ થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ હવે તેમની ટિકિટ કાપીને સાઈડલાઈન કરી દીધા છે. નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વરુણ ગાંધી પીલીભીતથી બે લાખ પચાસ હજાર કરતા વધારે મતોથી જીત્યા હતા. તેમને ચૂંટણીમાં 704,549 મત મળ્યા હતા. બીજા ક્રમે સપાના ઉમેદવાર હેમરાજ વર્મા હતા જેમને 4,48,922 વોટ મળ્યા હતા. અગાઉ 2014માં જ્યારે મેનકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેઓ ત્રણ લાખથી વધુ મતોથી જીત્યા હતા.