ઝારખંડ : કસાઈનો ધંધો કરતા નરેશે લિવ ઈન પાર્ટનર પર દુષ્કર્મ કર્યું, શરીરના 40 ટુકડાં કરી નાખ્યાં
Jharkhand case | ઝારખંડના ખૂંટી જિલ્લામાંથી દુષ્કર્મ અને હત્યાના એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. અહીં કસાઈ તરીકે ધંધો કરતાં એક યુવકે લિવ ઈન પાર્ટનરની જ હત્યા કરી તેના શબના 40 થી 50 ટુકડાં કરી ફેંકી દીધા હતા.
હત્યાનો ખુલાસો કેવી રીતે થયો?
આ હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસને એક રખડતાં કૂતરા પાસેથી માનવ શરીરના અંગો મળ્યાં હતાં. પોલીસે બુધવારે આ સમગ્ર હત્યાકાંડનો ફોડ પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યાની આ ચોંકાવનારી ઘટનાએ બધાને હચમચાવી મૂક્યા છે.
બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, ખૂંટી જિલ્લાનો 25 વર્ષીય નરેશ ભેંગરા છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુમાં તેના જ શહેરની 24 વર્ષની યુવતી સાથે 'લિવ-ઈન રિલેશનશિપ'માં રહેતો હતો. જોકે, થોડા સમય પહેલા તેણે ઘરે આવીને મહિલાને જાણ કર્યા વગર અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે પત્નીને સાથે લીધા વિના તમિલનાડુ પાછો ગયો. થોડા સમય બાદ યુવક અને યુવતી ખુંટી પરત ફર્યા પરંતુ આરોપી નરેશ પીડિત યુવતીને તેના ઘરે લઈ જવા માંગતો ન હતો. આ દરમિયાન 8 નવેમ્બરના રોજ તેણે આ જઘન્ય હત્યા કરી નાખી હતી.
પહેલા દુષ્કર્મ કર્યું અને પછી હત્યા કરી
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને ખબર નહોતી કે આરોપી નરેશના લગ્ન થઈ ગયા છે. નરેશ અને પીડિત યુવતી પહેલા રાંચી પહોંચ્યા અને પછી નરેશના ગામ જવા રવાના થયા. પોલીસે કહ્યું- પ્લાન હેઠળ નરેશ પીડિત યુવતીને એક ઓટોરિક્ષામાં તેના ઘરની નજીક ખૂંટી લઈ ગયો અને તેને રાહ જોવા કહ્યું. તે તીક્ષ્ણ હથિયાર સાથે પાછો આવ્યો અને તેના પર દુષ્કર્મ કર્યા બાદ દુપટ્ટા વડે જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પછી તેણે મૃતદેહના 40 થી 50 ટુકડા કર્યા અને ભાગી ગયો.
આરોપી કસાઈનો ધંધો કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી તમિલનાડુ રાજ્યમાં કસાઈની દુકાનમાં કામ કરતો હતો અને ચીકન કાપવામાં નિષ્ણાત હતો. પકડાયા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. યુવતીના શરીરના 40 થી 50 ટુકડા કર્યા બાદ તેને જંગલી પ્રાણીઓના ખાવા માટે જંગલમાં ફેંકી આવ્યો હતો. પોલીસને જંગલમાંથી એક બેગ પણ મળી આવી છે જેમાં યુવતીનું આધાર કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.