NEET-UG પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, NTAના ટ્રંકમાંથી પેપર ચોરનાર એન્જિનિયરને દબોચ્યો
NEET-UG Paper Leak Case : કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ નેશનલ ટેસ્ટિંજ એજન્સી (NTA)ના ટ્રંકમાંથી નીટ પેપર ચોરનાર એન્જિનિયરને બિહારના પટણાથી દબોચી લીધો છે. તેનો એક અન્ય સાથી પણ પકડાઈ ગયો છે. ઝડપી પડાયેલા વ્યક્તિની ઓળખ પંકજ કુમાર અને રાજૂ સિંહ તરીકે થઈ છે.
એન્જિનિયરે NTAના ટ્રંકમાંથી ચોર્યું હતું પેપર
સૂત્રોના જણાવ્યા મુજબ પંકજ કુમાર ઉર્ફે આદિત્યએ જે ટ્રંકમાંથી પેપર જઈ રહ્યું હતું, તેમાંથી જ પેપરની ચોરી કરી હતી અને પછી આગળ વહેંચવા માટે આપ્યું હતું. પંકજ ઝારખંડ (Jharkhand)ના બોકારોનો રહેવાસી છે અને તેણે જમશેદપુરમાં અભ્યાસ કર્યો છે. જ્યારે તેના એક સાથી રાજૂ સિંહની હજારીબાગથી ધરપકડ કરવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ પેપરને સ્ટીલ બૉક્ટમાંથી ચોરવામાં આવ્યું હતું. પંકજ દ્વારા પેપરની ચોરી કરાયા બાદ પેપર લીક કરવામાં બીજા આરોપીએ મદદ કરી હતી.
આ પણ વાંચો : હવે નહીં ચાલે બુલડોઝર, શિક્ષકોને ડિજિટલ હાજરીમાં પણ અપાઈ રાહતઃ યોગી સરકાર બેકફૂટ પર
અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ
સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈની ટીમે 15 જુલાઈએ હજારીબાગના રામનગર સ્થિત રાજ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. આ પહેલા એજન્સીએ રાજ ગેસ્ટ હાઉસના માલિક રાજકુમાર સિંહ ઉર્ફે રાજૂના કદમામાં આવેલા નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. સીબીઆઈએ નીટ-યુજી પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપી સંજીપ મુખિયા હજુ પણ ફરાર
આ પહેલા નીટ પેપર લીક કેસના મુખ્ય આરોપી સંજીવ મુખિયાના આગોતરા જામીન પર સોમવારે સુનાવણી હાથ ધરાઈ હતી. તેના જામીનને સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કરાયા છે. સંજીવ હજુ પણ ફરાર છે. સીબીઆઈએ લગભગ છ દિવસ પહેલા નાલંદામાં તેના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, જોકે ત્યાં કોઈપણ પુરાવા મળ્યા ન હતા. ટીમ તેના પરિવારની પૂછપરછ કરીને ખાલી હાથે પાછી ફરી હતી.
શું છે વિવાદ?
NEET-UG પરીક્ષામાં ખૂબ જ વધુ નંબરો આપવાનો આક્ષેપ કરાયો છે. આ જ કારણે આ વર્ષે રેકોર્ડ 67 ઉમેદવારોએ પરફેક્ટ સ્કોર સાથે ટૉપ રેન્ક મેળવ્યું છે. ગત વર્ષે માત્ર બે ઉમેદવારોએ ટૉપ રેન્ક મેળવ્યું હતું. આવી સ્થિતિમાં ઉમેદવારોનો આક્ષેપ છે કે, ઘણા ઉમેદવારોના માર્ક્સ યોજના હેઠળ ઘટાડવામાં અને વધારવામાં આવ્યા છે. બીજીતરફ છ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં વિલંબ થયો હતો. સમયનો બરબાદ થવાના કારણે આ સેન્ટરો પરના ઓછામાં ઓછા 1500 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ અપાતા, તેની તપાસ ચાલી રહી છે.
પેપર લીક ક્યાં થયું ?
NEET-UGમાં પેપર લીક થવાનો પણ આરોપ લગાવાયો છે. બિહાર પોલીસની ઈકોનોમિક ઓફિસ વિંગે ગયા મહિને કહ્યું હતું કે, તેને તપાસમાં જાણ થઈ છે કે, પાંચ મેના રોજ લગભગ 35 વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા નીટ પેપર અને જવાબો અપાયા હતા. પોલીસે આ મામલે 13 લોકોની ધરપકડ કરી છે.
કયા રાજ્યોના સેન્ટરો પર અપાયા ગ્રેસ માર્ક્સ?
પાંચમી મેના રોજ મેઘાલય, હરિયાણા, છત્તીસગઢ, સૂરત અને ચંડીગઢના લગભગ 6 પરીક્ષા કેન્દ્રો પર સમયસર પેપરો અપાયા ન હતા, જેના કારણે ઉમેદવારોને પરીક્ષા આપવા માટે 3.20 કલાકનો સમય મળ્યો ન હતો. પછી ઉમેદવારોએ સમયની બરબાદી થયાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ પરીક્ષા કેન્દ્રો પરના ઉમેદવારોને કોર્ટ દ્વારા તૈયાર કરાયેલા ફોર્મ્યુલાના આધારે ગ્રેસ માર્ક્સ અપાયા.