મેટ્રિમોનિયલ વેબસાઈટ દુલ્હન શોધી ના શકતા યુવકે કર્યો કેસ, કોર્ટે દંડ ફટકારી વળતર અપાવ્યું

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Matrimonial site

Image: Envatoelements



Matrimonial Website Fines 25000 For Not Giving Service: કેરળના એર્નાકુલમ જિલ્લામાં એક શખસને દુલ્હન શોધી ન આપવા બદલ મેટ્રિમોનિયલ વેબસાઈટને જિલ્લા ગ્રાહક નિવારણ ફોરમે રૂ. 25 હજારનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. આ સાથે ફોરમે તે વ્યક્તિને થયેલો કાયદાકીય ખર્ચ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ શખસનો આરોપ હતો કે, મેટ્રિમોનિયલ વેબસાઈટ કેરળ મેટ્રિમોનીએ દુલ્હન શોધી આપવાની પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી ન હતી. જિલ્લા ફોરમના અધ્યક્ષ ડી.બી. બીનૂ અને અન્ય સભ્યો રામચંદ્રન વી. તેમજ શ્રીવિદ્યા ટીએનએ આ મામલે સુનાવણી સાંભળી 15 મેના રોજ આદેશ આપ્યો હતો કે, કેરળ મેટ્રિમોની તરફથી યોગ્ય સેવા આપવામાં આવી નથી. આ ફરિયાદી કેરળ મેટ્રિમોની વેબસાઈટના અન્ય પીડિતોમાંથી એક છે. ફરિયાદીએ પોતાનો પક્ષ રજૂ કરવા સોશિયલ મીડિયા મારફતે આ સાઈટ અંગેની પ્રતિક્રિયાઓ પણ એકત્રિત કરી હતી, જેથી તેનો કેસ વધુ મજબૂત બન્યો હતો.

ગ્રાહક ફોરમે જણાવ્યું હતું કે, સામા પક્ષે જીવનસાથી શોધનારાને આકર્ષિત કરવા અનેક આકર્ષક બાબતો અને જાહેરાતો કરી છે, પરંતુ તે મુજબ સેવાઓ પ્રદાન કરવામાં નિષ્ફળ રહી છે. તેણે ફરિયાદીને આપવામાં આવેલા વચનોમાંથી કોઈપણ વચનનું પાલન કર્યું હોય તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી, જેથી તે દોષિત ઠરે છે.

ફરિયાદીએ આ આરોપ મૂક્યો

અહીંના ચેરથલાના રહેવાસીએ મે 2019માં ગ્રાહક ફોરમમાં આ ફરિયાદ કરી હતી. તેેણે આરોપ મૂક્યો હતો કે ‘મેં 2018ની શરૂઆતમાં કેરળ મેટ્રિમોની સાઇટ પર મારો બાયોડેટા રજિસ્ટર્ડ કરાવ્યો હતો, જેના ભાગરૂપે કેરળ મેટ્રિમોનીના પ્રતિનિધિઓએ તેમના ઘર અને ઓફિસની મુલાકાત પણ લીધી હતી. અને ત્રણ મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 4,100 ચૂકવવા કહ્યું હતું, જેથી તેઓ સંભવિત કન્યા સાથે લગ્ન મિલાપ કરાવી શકે.’

ફરિયાદીએ જણાવ્યું હતું કે ‘જાન્યુઆરી 2019માં આ ફી ચૂકવ્યા બાદ મેં સાઈટ પર કોલ કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. અંતે નિરાશ થઈને મેં ગ્રાહક ફોરમ કોર્ટમાં ફરિયાદ કરીને ફી પરત માંગી હતી.’ ત્યાર પછી  કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ કેરળ મેટ્રિમોનીને દલીલ કરી હતી કે, ફરિયાદીએ ક્લાસિક પેકેજ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે મોટા ભાગે પ્રોફાઇલ્સ જોવા અને સંપર્ક કરવાની મંજૂરી આપે છે.

કેરળ મેટ્રિમોનીએ એવી પણ દલીલ કરી હતી કે ‘અમારી ભૂમિકા મધ્યસ્થીની છે, જે સિસ્ટમ પર સંભવિત મેળ-મિલાપ અંગે જાણકારી આપવા સુધી સીમિત હતી. અમારી વેબસાઈટ પર કોઈપણ પ્રકારની માહિતી ગ્રાહકો દ્વારા આપોઆપ અપલોડ થાય છે. કેરળ મેટ્રિમોની ગ્રાહકોને માત્ર આ માહિતી ઉપલબ્ધ કરાવે છે. તે સિવાય અમારી કોઈ ભૂમિકા નથી.’ જો કે કંપની આ મામલે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.


Google NewsGoogle News