અયોધ્યા: પાલતું પોપટ ગુમ થઈ જતાં શખ્સે લગાવ્યા મિસિંગ પોસ્ટર, 10 હજારના ઈનામની પણ કરી જાહેરાત
Ayodhya Missing Parrot: પાળેલા પ્રાણીઓ કે પક્ષીઓની ઘણી વખત લોકોને એવી માયા લાગી જતી હોય છે કે તેમના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાંથી આવો જ એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ પોતાનો પાલતું પોપટ ગુમ થઈ જતાં એટલો દુઃખી થયો કે તેણે શહેરની ગલી-ગલીમાં પોસ્ટર લગાવી દીધા. અયોધ્યાના આ વ્યક્તિએ પોપટને શોધવા બદલ ઈનામની પણ જાહેરાત કરી છે. પોસ્ટર પ્રમાણે પોપટને શોધનારને 10,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. પોસ્ટરમાં વ્યક્તિએ પોપટની સંપૂર્ણ ઓળખ આપી છે.
અયોધ્યા કોતવાલી વિસ્તારના નીલ વિહાર કોલોનીમાં રહેતા શૈલેષ કુમાર પશુ-પક્ષી પ્રેમી છે. તેમણે એક પોપટ પાળ્યો હતો. પરંતુ થોડા દિવસો પહેલા તેમનો પોપટ પાંજરામાંથી ઊડી ગયો. ત્યારબાદ શૈલેષનો આખો પરિવાર દુ:ખી થઈ ગયો. પરિવારે પોપટને ખૂબ શોધ્યો પરંતુ તે ક્યાંય ન મળ્યો. ત્યારબાદ શૈલેષ કુમારે અયોધ્યાની ગલી-ગલીમાં ગુમ થયેલા પોપટના પોસ્ટર લગાવી દીધા.
પોપટ શોધી લાવનારને 10,000 રૂપિયાનું રોકડ ઈનામ
આ પોસ્ટરમાં શૈલેષ દ્વારા લખવામાં આવ્યું છે કે, આ પોપટને શોધી લાવનારને 10,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે. એટલું જ નહીં દિવાલો પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં પોપટનો ફોટો અને તેના નિશાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ માલિકે પોતાનો ફોન નંબર પણ આપ્યો છે. અયોધ્યામાં લગાવવામાં આવેલા આ પોસ્ટર લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.