ભાંગ ખાઈને વિમાનમાં ગયો અને પછી ખોલવા લાગ્યો ઈમરજન્સી ગેટ, ફ્લાઈટમાં હંગામો કરનારાની ધરપકડ

Updated: May 26th, 2024


Google NewsGoogle News

ભાંગ ખાઈને વિમાનમાં ગયો અને પછી ખોલવા લાગ્યો ઈમરજન્સી ગેટ, ફ્લાઈટમાં હંગામો કરનારાની ધરપકડ 1 - image
Image Indigo Twitter 

Indore to hyderabad flight News :  ઈન્દોરથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરવા બદલ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  29 વર્ષીય અનિલ પાટીલ ફ્લાઈટમાં ચઢતા પહેલા કથિત રીતે 'ભાંગ' નું સેવન કરી આવ્યો હતો.અનિલ એરલાઇનના કર્મચારીઓ સાથે ખોટી રીતે દલીલો કરતો હતો. એરલાઇન સ્ટાફ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદના આધારે અનિલ પાટિલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના 21 મેના રોજ બની હતી પરંતુ શુક્રવારે સામે આવી હતી. 

આગમન પર સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યો 

ઈન્ડિગો એરલાઈને એક સત્તાવાર નિવેદનમાં આ ઘટના વિશે જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું, 'ઈન્દોરથી હૈદરાબાદ જતી ફ્લાઈટ નંબર 6E 511માં મુસાફરી કરી રહેલા અનિલ પાટિલે 21 મે, 2024ના રોજ નશાની હાલતમાં ટેક-ઓફ પહેલા ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાની કોશિશ કરી હતી. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ મુસાફરને ક્રૂ દ્વારા યાત્રા કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો, અને આગમન પર સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. કોઈપણ સંજોગોમાં ફ્લાઇટની સલામતી સાથે સમાધાન કરવામાં આવ્યું ન હતું. અન્ય મુસાફરોને પડેલી કોઈપણ અસુવિધા બદલ કંપનીએ દિલગીરી વ્યક્ત કરી હતી. 

આરોપીએ ફ્લાઈટ લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે ફ્લાઈટ ઈન્દોરથી ટેકઓફ થઈ ત્યારે ક્રૂએ અનિલ પાટિલ દ્વારા કરવામાં આવતાં અસામાન્યને જોતા તેને બીજી સીટ પર બેસાડ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેણે તેના બે મિત્રો પાસે બેસવાની જીદ કરી, જેમની સાથે તે તીર્થયાત્રા માટે ઈન્દોર ગયો હતો. ક્રૂ શાંત થયા પછી તેણે થોડા સમય માટે સામાન્ય રીતે વર્તન કર્યું, પરંતુ થોડીવાર પછી અનિલ ફરી અન્ય એક મુસાફર સાથે ખરાબ વર્તન કર્યું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્સ્પેક્ટર કે. બલરાજુના જણાવ્યા અનુસાર, 'ચેતવણી આપવાં છતાં જ્યારે પ્લેન હવામાં હતું, ત્યારે અનિલ કોઈ કારણ વગર વચ્ચેની પેસેજમાં ફરતો હતો. જ્યારે પાઈલટ ફ્લાઈટને લેન્ડ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેણે ઈમરજન્સી ગેટ ખોલવા માટે આગળ આવ્યો હતો. 

પાટીલ 'સ્વાસ્થ્ય સમસ્યાઓ' થી પીડિત છે: એરપોર્ટ પોલીસ 

અનિલના વિચિત્ર વર્તન જોતાં એરલાઇન સ્ટાફ અને કેટલાક સહ-યાત્રીઓએ તેને દરવાજો ખોલતા રોકવાની કોશિશ કરી હતી. ગજુલારામરામમાં ચંદ્રગિરીનગર રહેતો આરોપી અનિલ પાટીલ તેના મિત્રો સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન ગયો હતો. RGI એરપોર્ટ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે પાટીલ 'સ્વાસ્થ્ય સમસ્યાઓ' થી પીડિત છે અને તેમનો મેડિકલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઈને હાલ તેને જામીન આપવામાં આવ્યા હતા.



Google NewsGoogle News