બહેરાઇચમાં માનવભક્ષી ભેડિયા, શું અમાસની રાત્રે ખુંખાર થઇ જાય છે ?
ભેડિયાઓની અંધારામાં જોવાની ગજબની શકિત હોય છે
ભેડિયાઓએ અત્યાર સુધી હુમલા કરીને ૯ લોકોને મારી નાખ્યા છે
બહરાઇચ,૨ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર
ઉત્તરપ્રદેશના બહરાઇચમાં આદમખોર ભેડિયા (વરુ)ના આતંકે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધીમાં શિકાર કરીને ૯ લોકોને મારી નાખ્યા છે. માનવ લોહી ચાખી ગયેલા ભેડિયાથી આસપાસના લોકો થર થર કાંપી રહયા છે. પોલીસ પ્રશાસન અને વન વિભાગે માનવભક્ષી વરુઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
કુલ ૧૫ ટીમો અને ૨૦૦થી વધુ સ્ટાફ ઓપરેશન સાથે સંકળાયેલો છે.ડ્રોન કેમેરામાં ભેડિયા ધ્યાનમાં આવ્યા પછી ફરી અદ્રષ્ય થઇ ગયા હતા. બહરાઇચ આસપાસના વિસ્તારમાં લોકોમાં એવી માન્યતા બંધાઇ છે કે અમાવસ્યાની રાત્રીએ ભેડિયાની ગેંગ ફરી હુમલા કરી શકે છે. અમાવસ્યાએ ભેડિયા ખુબજ ખુંખાર બની જાય છે.
અમાવસ્યા સાથે ભેડિયાનું શું કનેકશન છે તે જાણી શકાતું નથી પરંતુ લોકો દ્વઢપણે માને છે. એવો દાવો કરવામાં આવે છે કે અમાવસ્યાએ સૂર્યની શકિત તેજ હોય છે આથી રાત્રે આસુરી શકિતઓ ખૂબ વધી જાય છે. જંગલમાં રહેતા હિંસક જાનવર પણ ઉગ્ર થઇ જાય છે. વાઇલ્ડ લાઇફ એક્ષપર્ટ માને છે કે અમાવસ્યાની રાત્રીએ ગાઢ અંધકાર હોય છે.
ભેડિયાઓની અંધારામાં જોવાની ગજબની શકિત હોય છે. તેઓ રાત્રીએ ખાસ પ્રકારનો અવાજ કાઢીને પોતાની ગેંગને શિકાર માટે આહવાન કરે છે. અંધકારનો લાભ લઇને શિકાર કરવો ખૂબ પસંદ હોવાથી આવી માન્યતા બંધાઇ છે બાકી અમાવસ્યાએ ભેડિયા વધુ હુમલા કરે છે તેનો કોઇ પ્રમાણિક આધાર નથી.