'એની ઉંમર જેટલી તો મેં તપસ્યા કરી છે...' મહામંડલેશ્વર વિવાદ વચ્ચે બાબા બાગેશ્વર પર ભડકી મમતા કુલકર્ણી
Mamta Kulkarni Reaction on Dhirendra Shastri: ભૂતપૂર્વ ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી હાલમાં ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા પરંતુ વિવાદ બાદ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને યોગ ગુરુ બાબા રામદેવ સહિત અનેક ઋષિ-મુનિઓએ તેમની મહામંડલેશ્વર તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો. હવે આ મામલે મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા સામે આવી છે.
મમતા કુલકર્ણીએ તમામ મુદ્દાઓ પર વાત કરી
મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનતા ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરતા એક અઠવાડિયામાં જ વિવાધ વધતા તેમને આ પદથી હટાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ સાથે અભિનેત્રી પર ઘણા આરોપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે મહામંડલેશ્વરનું પદ મેળવવા માટે 10 કરોડ રૂપિયા આપ્યા છે. જો કે, હવે અભિનેત્રીએ આ મામલે ખુલીને વાત કરી છે, જેમાં તેણે આ તમામ મુદ્દાઓ વિશે વાત કરી છે.
'તમારા ગુરુને પૂછો કે હું કોણ છું' - મમતા
અભિનેત્રીને જયારે સંતો દ્વારા તેના પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'હવે આના પર શું કહું. તેમને મહાકાલ અને મહાકાળીથી ડરવું જોઈએ.'
આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'તે લંગોટ... ધીરેન્દ્ર શાસ્ત્રી. તેની ઉંમર 25 વર્ષની છે, એની ઉંમર જેટલી તો મેં તપસ્યા કરી છે. તેણે જેમની તપસ્યા કરીને સિદ્ધ કર્યા છે...તે હનુમાનજી, આ 23 વર્ષોની મારી તપસ્યામાં હું બે વખત તેમને પ્રત્યક્ષરૂપે તેમની સાથે રહી છું. હું ધીરેન્દ્ર શાસ્ત્રીને કહેવા માંગુ છું કે તેમના ગુરુ રામભદ્રાચાર્યને દિવ્ય દ્રષ્ટિ છે, તેમને પૂછો કે હું કોણ છું અને ચૂપચાપ બેસી રહો.'
અભિનેત્રીના મહામંડલેશ્વર બનવા પર બાબા બાગેશ્વરે શું પ્રતિક્રિયા આપી હતી?
ધીરેન્દ્ર શાસ્ત્રી મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, 'કોઈપણ પ્રકારના બાહ્ય પ્રભાવ હેઠળ આવીને કોઈને પણ મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? હું ખુદ હજુ સુધી મહામંડલેશ્વર નથી બની શક્યો. આ પદવી ફક્ત એવી વ્યક્તિને જ આપવી જોઈએ જેમાં સંત કે સાધ્વીની ભાવના હોય.'