મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડાની માઇ મમતાનંદગીરી બની
- અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર
- મહાકુંભમાં સંગમમાં પિંડદાન કરી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની,પટ્ટાભિષેક બાકી
પ્રયાગરાજ : એક જમાનાની બોલીવૂડની હિરોઇન અને બાદમાં ૨૦૧૬માં અંધારી આલમમાં ડ્રગ કેસમાં સંડોવાયેલી મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમ તટે પિંડદાન કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઇ છે. હવે તેનું નવું નામ મમતાનંદ ગીરી પાડવામાં આવ્યું છે તેનો હવે માત્ર પટ્ટાભિષેક જ બાકી છે. મમતા કુલકર્ણી શુક્રવારે સવારે મહાકુંભમાં કિન્નર અખાડામાં પહોંચી ગઇ હતી. જ્યાં તેણે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. બંને વચ્ચે મહામંડલેશ્વર બનાવવા બાબતે એક કલાક સુધી ચર્ચા થઇ એ પછી કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી આપવાની જાહેરાત કરી હતી.
સાધ્વી તરીકે મહાકુંભમાં સામેલ થયેલી મમતા કુલકર્ણીએ ભગવા કપડાં પહેર્યા હતા અને ગળામાં રૂદ્રાક્ષની બે મોટી માળા પણ ધારણ કરી હતી. તેના ખભાં પર પણ ભગવી ઝોળી ઝુલતી હતી. મમતાએ અને લક્ષ્મીનારાયણ ત્રિપાઠી બાદમાં અખિલ ભારતીય અખાડાના અધ્યક્ષ રવિન્દ્ર પુરી પાસે ગયાહતા. મમતા અને પુરી વચ્ચે પણ કિન્નર અખાડાના પદાધિકારીઓની હાજરીમાં લાંબી વાતચીત થઇ હતી. એ પછી મમતાને મહામંડલેશ્વર બનાવવાની વિધિ હાથ ધરવામાં આવી હતી.
૧૯૯૧માં તમિલ ફિલ્મ નનબરગલ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર મમતા કુલકર્ણીએ એ જ વર્ષે હિન્દીમાં મેરાદિલ તેરે લિયેથી હિન્દી ફિલ્મ દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એ પછી ૩૪ ફિલ્મોમાં સલમાનખાનથી માંડી શાહરૂખખાન અને અજય દેવગણ સાથે કામ કરી ચૂકેલી મમતા કુલકર્ણીની છેલ્લી ફિલ્મ ૨૦૦૨માં કભી તુમ કભી હમ આવી હતી. મમતા કુલકર્ણીની કારકિર્દી વિવાદાસ્પદ રહી હતી. તેણે ૧૯૯૩માં સ્ટારડસ્ટ ફિલ્મ મેગેઝિનના કવર માટે ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું હતું.
એ પછી મમતાએ ૨૦૧૩માં ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિની પ્રકાશિત કરી હતી. મહામંડલેશ્વર બન્યા બાદ મમતાએ જણાવ્યું હતું કે હવે બોલીવૂડ સાથે મારો કોઇ સંબંધ નથી. આ વખતે પણ ૧૪૪ વર્ષે યોજાઇ રહેલાં મહાકુંભમાં ભાગ લેવા માટે જ હું ભારત આવી છું. હવે મને મહામંડલેશ્વર તરીકે ખ્યાતિ મળી રહી છે તેનાથી મોટી વાત શું હોઇ શકે. મને હવે કશું જોઇતું નથી. ડ્રગ્સ કેસમાં દુબઇની જેલમાં સજા કાપી રહેલાં વિક્કી ગોસ્વામી સાથે પણ મમતાનું નામ જોડાયું હતું પણ મમતાએ આ સંબંધને નકારી કાઢ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે હવે અધ્યાત્મના માર્ગે ચાલી રહી છે.