'તમારા તરફથી કોઈ જવાબ ન મળ્યો', મમતા બેનર્જીએ મહિલા ડૉક્ટરની હત્યાના કેસમાં PM મોદીને ફરીથી પત્ર લખ્યો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
narendra modi mamta banerjee


Mamta Banerjee: કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ PM મોદીને ફરી એક વખત ચિઠ્ઠી લખી હતી. અગાઉ પણ તેમણે આ મામલે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી અને હવે ફરીથી તેમણે પત્ર લખીને કહ્યું છે કે, 'દુષ્કર્મની ઘટનાઓ પર કડક કાયદાની જરૂરિયાત અને આવા ગુનાઓના ગુનેગારોને દાખલારૂપ સજા મળે એ સંબંધિત 22 ઑગસ્ટ, 2024ના રોજ મેં લખેલ પત્ર નંબર 44-CMનો જવાબ મળ્યો નથી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખ્યું હતું કે, 'આટલા સંવેદનશીલ મુદ્દે તમારા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પરંતુ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા એક જવાબ મળ્યો છે, જે મારા પત્રમાં ઉઠાવવામાં આવેલ મુદ્દાની ગંભીરતા પર કેન્દ્રિત નથી. મને લાગે છે કે આ સામાન્ય જવાબ મોકલતી વખતે વિષયની ગંભીરતા ધ્યાનમાં નહીં લેવામાં આવી હોય.

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને એક મહત્ત્વની માંગ કરી હતી. મમતા બેનર્જીએ દેશમાં દરરોજ થતા દુષ્કર્મના આંકડાઓનો ઉલ્લેખ કરતાં પત્રમાં લખ્યું છે કે, એવો કાયદો બનાવવો જોઈએ કે જે ગુનેગારો માટે ઉદાહરણરૂપ નીવડે. તેમણે માંગ કરી હતી કે પીડિત પરિવારને 15 દિવસમાં ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.

આ પણ વાંચો: આરજી કર હોસ્પિટલની પીડિતાના માબાપ સાથેની ઓડિયો ક્લિપથી નવો વિવાદ

મૂળ ઘટનામાં કોલકાતાની આર. જી. કાર. હૉસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી એક મહિલા ડૉક્ટરની સેમિનાર હૉલમાં મોડી રાત્રે દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધી CBI દ્વારા તપાસ કરવામાં આવી છે અને સંજોય નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેનો પોલિગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય કૉલેજ હૉસ્પિટલના ડીનની પૂછપરછ કરવામાં આવી છે અને તેઓનો પણ પોલિગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. બાયૉ મેડિકલ વેસ્ટ સહિત ઘણા મામલે હૉસ્પિટલ મેનેજમેન્ટ પણ ભ્રષ્ટ હોય તે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે. આગામી સમયમાં ઘણા રહસ્યો આ કેસમાં બહાર આવશે એવું લાગી રહ્યું છે.


Google NewsGoogle News