બંગાળમાં મમતાની 'એકલા ચાલો' નીતિ : 42 બેઠકો પર ઉમેદવાર જાહેર
- 'ઈન્ડિયા' ગઠબંધનમાં ભંગાણ, કોંગ્રેસને હજુ જોડાણની આશા
ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ કોંગ્રેસના અધિર રંજન ચૌધરી સામે લડશે : બે ક્રિકેટર, છ ફિલ્મ સ્ટાર ચૂંટણી જંગમાં ઉતાર્યા
- મહુઆ મોઈત્રા ફરીથી કૃષ્ણનગરમાંથી લડશે, ૧૬ વર્તમાન સાંસદોનાં પત્તાં કપાયા
કોલકાતા: આપ અને ડાબેરીઓએ પંજાબ અને કેરળમાં એકલા હાથે લડવાની જાહેરાત કર્યા પછી હવે તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ પણ 'એકલા ચાલો'ની નીતિ અપનાવી પશ્ચિમ બંગાળમાં બધી જ ૪૨ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ સાથે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ 'ઈન્ડિયા' ગંઠબંધનની પોલ ખુલી ગઈ છે અને એક પછી એક સાથી પક્ષો દૂર થઈ ગયા છે.
વિપક્ષ દ્વારા દોઢ વર્ષથી એક છત્ર નીચે આવીને 'ઈન્ડિયા' ગઠબંધન બનાવીને લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને હરાવવાની વ્યૂહરચનાઓ ઘડાતી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસનાં સર્વેસર્વા મમતા બેનરજીએ રવિવારે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં માત્ર ભાજપ જ નહીં, પરંતુ સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ સામે પણ મજબૂતીથી લડશે. વધુમાં અમે માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ આસામ અને મેઘાલયમાં પણ ચૂંટણી લડીશું. જોકે, કોંગ્રેસને હજુ પણ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સાથે જોડાણની આશા છે.કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મમતા બેનરજીએ લોકસભા ચૂંટણી માટે પક્ષના ૪૨ ઉમેદવારોની યાદી જાહેર કરતા ગઈકાલે ચૂંટણી કમિશનરનાપદેથી રાજીનામું આપનારા અરુણ ગોયલની પ્રશંસા કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, હું ક્યારેય પશ્ચિમ બંગાળમાં એનઆરસીનો અમલ નહીં થવા દઉં તથા ડીટેન્શન કેમ્પ ખોલવાની મંજૂરી નહીં આપું.
તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરતાં આશ્ચર્યજનક રીતે ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુરની બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરી સામે ઉતાર્યો છે. બીજીબાજુ અન્ય એક પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદ તથા છ ફિલ્મ સ્ટારને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તૃણમૂલે આ વખતે ૧૬ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે, જેમાં ૧૨ મહિલાનો સમાવેશ થાય છે.
મમતા બેનરજીએ ડાયમંડ હાર્બર બેઠક પરથી ભત્રીજા અભિષેક બેનર્જીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. વધુમાં વિષ્ણુપુર બેઠક પર ભાજપ સાંસદ સૌમિત્ર ખાંની સામે તેમનાં જ પત્ની સુજાતા મંડલ ખાંને લડાવશે. કૃષ્ણનગર બેઠક પર ફરી એક વખત મહુઆ મોઈત્રા પર વિશ્વાસ જાળવી રાખી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. મહુઆ મોઈત્રા ૨૦૧૯માં અહીંથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભામાંથી તેમની હકાલપટ્ટી કરાઈ હતી. મહુઆને રૂપિયા લઈને સંસદમાં સવાલ પૂછવાના કેસમાં દોષિત ઠેરવાયા હતા. તે વખતે મહુઆએ દાવો કર્યો હતો કે પોતે કૃષ્ણનગરની બેઠક પરથી જ ચૂંટણી લડીને ફરી સંસદમાં આવશે. બીજીબાજુ તૃણમૂલે આસનસોલ બેઠક પર અભિનેતા શત્રુઘ્ન સિંહાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય બંગાળના ફિલ્મ ઉદ્યોગમાંથી રચના બેનરજીને હુગલી અને દીપક અધિકારી દેવને ઘાટલથી ટિકિટ આપી છે. પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદને બર્ધમાન-દુર્ગાપુરથી ઉમેદવાર બનાવાયા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં આ બેઠક ભાજપના અહલુવાલિયાએ જીતી હતી.