'જોઉં છું પછી કોણ પૈસા આપે છે..' રાજ્યપાલની દખલ પર મમતાની યુનિવર્સિટીઓને ફન્ડિંગ અટકાવવાની ધમકી
મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો
કહ્યું કે જો રાજ્યપાલ આ રીતે જ ડિસ્ટર્બ કરતા રહેશે તો રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓનું ફન્ડિંગ અટકાવી દેવામાં આવશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો હતો. શિક્ષક દિવસના અવસરે ધન ધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ યુનિવર્સિટીને ચેતવણી આપી હતી.
રાજ્યપાલ ડિસ્ટર્બ ના કરે...
તેમણે કહ્યું કે જો રાજ્યપાલ આ રીતે જ ડિસ્ટર્બ કરતા રહેશે તો રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓનું ફન્ડિંગ અટકાવી દેવામાં આવશે. મમતાએ કહ્યું કે જે યુનિવર્સિટી રાજ્યપાલના આદેશનું પાલન કરશે રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ આર્થિક નાકાબંધી કરી દેશે. તેમણે રાજભવન સામે ધરણાં પર બેસવાની પણ ચેતવણી ઉચ્ચારી હતી.
યુનિવર્સિટીઓ યાદ રાખે કે ફન્ડિંગ અમે કરીએ છીએ....
મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે રાજ્યપાલ ખુદને મુખ્યમંત્રી કરતા પણ મોટા સમજી રહ્યા છે. ચાલો જોઈએ કોણ કોના પર ભારે પડે છે. મમતાએ કહ્યું કે ભલે રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ છે પણ રાજ્ય સરકાર ફન્ડિંગ કરે છે. હું ફંડ અટકાવી દઈશ. જોઉ છું કોણ તમને રૂપિયા આપે છે.
શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કરવાના કાવતરાં કરે છે
મમતાએ કહ્યું કે અડધી રાતે જાદવપુર યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કરાઈ. રવિન્દ્ર ભારતીમાં એક જજને કુલપતિ બનાવાયા. આ સંપૂર્ણપણે શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કરવાનું કાવતરું છે. અમે યુનિવર્સિટીથી સંબંધિત કાયદામાં સુધારા કરી રાજ્યપાલ પાસે સંમતિ માટે મોકલ્યા હતા પણ આજ સુધી કોઈ સંમતિ અપાઈ નથી.