મમતા બંગાળને ભારતથી આઝાદ કરાવે : બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતા

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
મમતા બંગાળને ભારતથી આઝાદ કરાવે : બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતા 1 - image


- બાંગ્લાદેશની નવી સરકારે છોડી મુકેલા જસીમુદ્દીનનું ભડકાઉ નિવેદન

- ચીનને કહીને ચિકન નેક બંધ કરાવીશું અને સેવન સિસ્ટર્સની આઝાદીની માગ પણ ઉઠાવીશું : જસીમુદ્દીન

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા બાદ ત્યાં ભારત વિરુદ્ધ કાવતરા રચવાનો ખેલ શરૂ થઇ ગયો છે. નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનૂસની વચગાળાની સરકારે હાલમાં જ અલ કાયદા સાથે લિંક ધરાવતા ઇસ્લામિક સમૂહ અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (એબીટી)ના નેતા જસીમુદ્દીન રહમાનીને જેલમાંથી છોડી મુક્યો છે. જેણે હવે ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કરી દીધુ છે. 

જસીમુદ્દીન રહમાનીએ ભારતને ધમકી આપતાની સાથે જ દેશને તોડવા માટે પાંચ એક્શન પ્લાન તૈયાર કર્યા છે. યૂટયૂબ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં રહમાનીએ ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ, સિક્કિમ કે ભૂટાન જેવુ નથી. આ ૧૮ કરોડ મુસ્લિમોનો દેશ છે. જો તમે બાંગ્લાદેશ તરફ પગલા ભરશો તો અમે ચીનને કહીશુ કે ચિકન નેક બંધ કરાવી દે, અમે સેવન સિસ્ટર્સ (પૂર્વોત્તર ભારત)ને આઝાદીની માગ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.

રહમાનીએ કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થક તત્વોની સાથે સહયોગ કરવાનુ વચન લીધુ છે. ખાલિસ્તાન આંદોલન માટે ક્રાંતિનો સમય આવી ગયો છે. સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ અલગતાવાદને ભડકાવીને પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનમાં સામેલ કરવા માટે યોજનાનું એલાન કર્યું છે. પોતાના ભડકાઉ ભાષણમાં રહમાનીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બંગાળને સ્વતંત્ર કરાવીને તેને બાંગ્લાદેશમાં ભેળવવા કહ્યું હતું. સાથે જ તેણે કેન્દ્રની મોદી સરકાર પર પણ આરોપો લગાવ્યા હતા. રહમાનીએ કાશ્મીર પર ઝેર ઓકતા પાકિસ્તાન પ્રત્યે સમર્થન જાહેર કર્યું હતું. 


Google NewsGoogle News