'...તો અડધી રાત્રે દરોડા કેમ પાડ્યા', બંગાળમાં NIAની ટીમ પર હુમલો, એજન્સી પર મમતાએ ઉઠાવ્યા સવાલ
Mamata Banerjee On NIA Attack: પશ્ચિમ બંગાળના ભૂપતિનગર બ્લાસ્ટ મામલે દરોડો પાડવા પહોંચેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ટીમ પર આજે (શનિવારે) હુમલો થયો હતો. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે તપાસ એજન્સી પર જ સવાલો ઉઠાવ્યા કહ્યું કે, 'એનઆઈએની ટીમે રાત્રે દરોડા કેમ પાડ્યા? પોલીસને જાણ કરવામાં આવી હતી?'
મમતા બેનરજીએ ભાજપ કર્યા પ્રહાર
સીએમ મમતા બેનરજીએ દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'જ્યારે ગામડાના લોકો અડધી રાત્રે કોઈ અજાણી વ્યક્તિને જુએ છે ત્યારે આવું થાય છે. ચૂંટણી દરમિયાન ધરપકડ શા માટે? અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરે અને ભાજપ સંચાલિત કમિશન ન બને.'
એનઆઈએ પર હુમલાના મામલામાં ફરિયાદ નોંધાઈ
આ ઘટના બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફરિયાદ નોંધી છે. ભૂપતિનગર બ્લાસ્ટ કેસની તપાસ માટે જ્યારે એનઆઈએની ટીમ ત્યાં પહોંચી ત્યારે ટોળાએ એનઆઈએના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. વાહનમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનામાં એક અધિકારી ઘાયલ થયો હતો. આ બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીએ બે આરોપીઓની ધરપકડ કરી હતી.
વર્ષ 2022મા ભૂપતિનગરમાં બ્લાસ્ટ થયો હતો
ઉલ્લેખનીય છે ક, ડિસેમ્બર 2022માં પશ્ચિમ બંગાળના ભૂપતિનગર પોલીસ સ્ટેશન હેઠળના નરીબિલા ગામમાં તૃણમૂલ નેતાના ઘરે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હતા.