સરકારી બંગલો કે પગાર પણ નહીં; જાણો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા CM મમતા બેનર્જી કેવું જીવન જીવે છે
Mamata Banerjee Wealth: દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રીઓની યાદીમાં મમતા બેનર્જીનું નામ ફરી ટોચ પર છે. 13 વર્ષથી બંગાળના મુખ્યમંત્રી પદ પર રહેલા મમતા પાસે કુલ 15 લાખ રૂપિયાની સંપત્તિ છે. એડીઆરના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષમાં મમતા બેનર્જીની સંપત્તિમાં ઘટાડો થયો છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ 16.72 લાખ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો.
મમતા બેનર્જી પગાર કે પેન્શન પણ લેતા નથી
મમતા બેનર્જી હાલમાં બંગાળના મુખ્યમંત્રી પદ પર છે. મુખ્યમંત્રી બનતાં પહેલા મમતા કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચૂક્યા છે. પેન્શનના નિયમો અનુસાર, મમતા બેનર્જીને કેન્દ્ર સરકાર પાસેથી દર મહિને રૂ. 50 હજાર સુધીનું પેન્શન મળી શકે છે, પરંતુ તેઓ વર્ષ 2011થી આ રકમ લેતા નથી.
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીને 2,10,000 રૂપિયાનો પગાર મળવાની જોગવાઈ છે, પરંતુ મમતા મુખ્યમંત્રીનો પગાર પણ લેતા નથી. તેઓ આ પૈસા દાન કરી દે છે. એક ઇન્ટરવ્યુમાં મમતાએ કહ્યું હતું કે, 'હું સરકારી પૈસાની ચા પણ નથી પીતી. હું મારો તમામ ખર્ચ જાતે ઉઠાવવાનો પ્રયાસ કરું છું.'
પેઇન્ટિંગ-બુક રોયલ્ટીમાંથી કરે છે કમાણી
મમતા બેનર્જીને પેઇન્ટિંગ કરવાનું અને બુક લખવાનું પસંદ છે. તેમણે અંગ્રેજી અને બંગાળીમાં ઘણા પુસ્તકો લખ્યા છે. જેમાં 'સ્લોટર ઑફ ડેમોક્રેસી', 'માય અનફોરગેટેબલ મેમોરીઝ' મુખ્ય છે. મમતા બેનર્જીની આવકનો મુખ્ય સ્ત્રોત આ બુક્સની રોયલ્ટી જ છે. તેમને આ તમામ પુસ્તકોની રોયલ્ટી તૃણમૂલ કોંગ્રેસનું મુખ્ય પ્રકાશન 'જાગો બાંગ્લા' દ્વારા જ મળે છે. આ સિવાય મમતા બેનર્જી પોતાની પેઇન્ટિંગ્સ વેચીને પણ કમાણી કરે છે. તેમજ પેઇન્ટિંગ-બુક રોયલ્ટીમાંથી મળતા પૈસામાંથી પણ મમતા દાન કરે છે. તેમજ આ પૈસાથી પણ તેઓ પોતાની નાની નાની જરૂરિયાતો પણ પૂરી કરે છે.
કાલીઘાટના ઘરે જ રહે છે મમતા બેનર્જી
જ્યારે મમતા મુખ્યમંત્રી બન્યા ત્યારે બંગાળના રાજકીય વર્તુળમાં તેમના નવા નિવાસ સ્થાને સ્થળાંતર થવાની ચર્ચા શરુ થઈ હતી. આ માટે બંગાળ સરકારે અલીબાગના 11 બેલ્વેડેરે રોડ પર એક બંગલો પણ તૈયાર કર્યો છે. આ બંગલો 16 વીઘામાં ફેલાયેલો હતો, પરંતુ મમતાએ અહીં જવાની ના પાડી દીધી.
મમતા કાલીઘાટમાં 30-બી હરીશ ચેટર્જી સ્થિત તેમના આવાસમાં રહે છે. આ બંગલો શહેરના એક ગંદા નાળાના કિનારે આવેલો છે. તેમજ મમતા પાસે કોઈ લક્ઝરી કાર નહિ પરંતુ એક સેન્ટ્રો કાર છે અને તેઓ આ કારનો ઉપયોગ કોલકાતામાં કરે છે. તેમજ કોલકાતાની બહાર તેઓ મહિન્દ્રાની સ્કોર્પિયો અથવા બોલેરા કાર વાપરે છે. મમતા હંમેશા નાની નાની જગ્યાઓ પર પગપાળા જ જવાનો પ્રયત્ન કરે છે.
આ પણ વાંચો: CM આતિશી સામે ચૂંટણી લડશે અલકા લાંબા! કાલકાજી બેઠક પર થશે રસપ્રદ મુકાબલો
જમવામાં માછલી અને મમરા પસંદ છે
મમતા બેનર્જીને દરરોજ સવારે નાસ્તામાં મમરા અને ચા લેવા પસંદ છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'મને શાકાહારી અને માંસાહારી બંને ફૂડ પસંદ છે. મમતાને માછર જોર અને રાઇસ સૌથી વધુ પસંદ છે. તેમજ આઇસ્ક્રીમ ખાવાનો પણ શોખ છે.'
આ સિવાય મમતાને ઢોકળા અને ચાઇનીઝ ફૂડ પણ પસંદ છે. તેમજ જ્યારે પણ તેઓ દાર્જિલિંગ ટૂર પર જાય છે ત્યારે મોમોઝ ચોક્કસથી ખાય છે. તેમની મોમોઝ ખાતી તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
ધનિયાખલીની પ્રખ્યાત કોટન સાડી પહેરે છે મમતા
મમતાના ચપ્પલ અને કોટન સાડી પ્રખ્યાત છે. મમતા બેનર્જી 2009થી ધનિયાખલીની પ્રખ્યાત કોટન સાડી પહેરવાનું પસંદ કરે છે. આ સાડીની કિંમત 300-350 રૂપિયા છે. કોલકાતાના ધનિયાખલી વણકર આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હતા. તેની પાસે રોજગાર ન હતો, ત્યારબાદ મમતાએ ધનિયાખલી સાડીઓનું બ્રાન્ડિંગ કરવાની પહેલ શરુ કરી અને તેમની અ આ જ પહેલના કારણે સેંકડો વણકરોને ત્યાંથી રોજગારી મળી.