પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, મમતા બેનરજી ભાજપ સાંસદને ઘરે જઈને મળ્યાં
Image: Facebook
Mamata Banerjee: પશ્ચિમ બંગાળના રાજકારણમાં મંગળવારે એક ટ્વીસ્ટ જોવા મળ્યું. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી મુખ્ય વિપક્ષી દળ ભાજપના સાંસદ સાથે મુલાકાત કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજે પોતાના નિવાસ સ્થાને સીએમ મમતાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. મમતા બેનર્જી અને ભાજપ સાંસદની મુલાકાતને લઈને વધુ જાણકારી સામે આવી નથી પરંતુ તેને લઈને રાજકારણ ગરમાયું છે.
અનંત મહારાજ ઉત્તર બંગાળના રાજકારણનો મોટો ચહેરો છે જ્યાં ભાજપે છેલ્લા અમુક વર્ષોમાં ઝડપથી પગપેસારો કર્યો છે. અનંત ઉત્તર બંગાળના કૂચબિહારને પૃથક ગ્રેટર કૂચ બિહાર રાજ્ય બનાવવાની માગ કરનાર સંગઠન ગ્રેટર કૂચબિહાર પીપુલ્સ એસોસિએશન (જીસીપીએ) ના અધ્યક્ષ છે. પોતાને ગ્રેટર કૂચબિહારના મહારાજ ગણાવનાર અનંતને ભાજપે એક વર્ષ પહેલા જ પશ્ચિમ બંગાળથી રાજ્યસભા મોકલ્યા હતા. અનંત પશ્ચિમ બંગાળથી ભાજપની ટિકિટ પર રાજ્યસભા પહોંચનાર પહેલા નેતા પણ છે.
હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા તેમના નિવાસ સ્થાને પહોંચીને મુલાકાત કર્યા બાદ અટકળો પણ લગાવવાની શરૂ થઈ ગઈ છે. તર્ક આપવામાં આવી રહ્યો છે કે ગયા વર્ષે ગૃહ મંત્રી અમિત શાહે અનંતના નિવાસ સ્થાને પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી અને તે બાદ ભાજપે તેમને રાજ્યસભા મોકલી દીધા. હવે સીએમ મમતા તેમને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે તો આગળ શું થશે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ગત સરકારમાં રાજ્યમંત્રી રહેલા નિશિથ પ્રમાણિક પણ અનંતના નજીકના માનવામાં આવે છે. નિશિથ પ્રમાણિક પણ તે રાજવંશી સમુદાયથી આવે છે જ્યાંથી અનંત આવે છે.
રાજવંશી કેટલા પ્રભાવશાળી
પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિની કુલ વસ્તીમાં લગભગ 18 ટકાથી વધુ રાજવંશી સમુદાયની ભાગીદારી છે. રાજવંશી સમુદાય અનુસૂચિત જાતિ વર્ગનો સૌથી મોટો અને પ્રભાવશાળી સમુદાય છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર બંગાળના પાંચ જિલ્લાના 20 વિધાનસભા વિસ્તારમાં રાજવંશી સમુદાયના મતદાતા નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. આ પાંચ જિલ્લામાં કૂચબિહારની સાથે જ અલીપુરદ્વાર પણ સામેલ છે જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ 2024ની ચૂંટણીમાં પાર્ટી કૂચબિહાર લોકસભા બેઠક હારી ગઈ.