મમતા બેનર્જીએ ભાજપા નેતાઓને આપી ધરપકડની ધમકી, શુભેન્દુ અધિકારીએ કરી પોલીસ ફરિયાદ
Image Source: Twitter
- આ પ્રકારના કૃત્યો IPCની કલમ 182, 194, 195ए, 211, 203, 505 અને 506 હેઠળ દંડનીય ગુનો છે: શુભેન્દુ અધિકારી
કોલકાતા, તા. 25 નવેમ્બર 2023, શનિવાર
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કથિત રીતે ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ કરી છે. આરોપ છે કે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જો કેન્દ્રીય એજન્સીઓ દ્વારા TMC નેતાઓની ધરપકડ કરવામાં આવશે તો તે ભાજપના લોકોની ધરપકડ કરી લેશે. મમતા બેનર્જીએ ગુરુવારે ટીએમસી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, તેમણે અમારા ચાર ધારાસભ્યોને જેલ હવાલે કરી દીધા છે. તેમણે એ વિચારીને તેમને જેલ ભેગા કર્યા કે તેઓ આ રીતે અમારી સંખ્યા ઘટાડી દેશે. જો તેઓ મારા ચાર લોકોને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં મોકલશે અને બદનામ કરશે તો હું ભાજપમાંથી આઠ લોકોને હત્યા અને અન્ય કેસોમાં જેલ હવાલે કરી દઈશ.
વિભિન્ન કથિત કૌભાંડમાં ED અને CBI દ્વારા ધરપકડ કરવા બાદ ઓછામાં ઓછા પાંચ હાઈ-પ્રોફાઈલ ટીએમસી નેતા ન્યાયિક કસ્ટડીમાંછે. તેમાંથી 4 ધારાસભ્યો અને બે મંત્રી સામેલ છે.
West Bengal Assembly LoP & BJP Leader Suvendu Adhikari files a complaint against West Bengal CM Mamata Banerjee over her reported remarks that if four MLAs of her political party are sent to jail she will send eight of them to jail for allegation of murder. pic.twitter.com/HKwvpHeTDQ
— ANI (@ANI) November 24, 2023
શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, મેં મારી ફરિયાદ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીને ઈમેલ કરી દીધી છે અને તેમને વિનંતી કરી છે કે, તેઓ નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં કરેલી ટિપ્પણી માટે મુખ્યમંત્રી વિરુદ્ધ FIR દાખલ કરે. તેમણે તેમની પાર્ટી વતી શપથ લીધા છે અને ભાજપના આઠ લોકોની ધરપકડ કરવાની ધમકી આપી છે.
તેમણે એમ પણ કહ્યું કે, જો પોલીસ FIR નોંધવાનો ઈનકાર કરશે તો તે 72 કલાક રાહ જોશે અને પછી મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં જઈને ફરિયાદ પર સંજ્ઞાન લેવાનો અનુરોધ કરશે.
બીજેપી ધારાસભ્યએ કહ્યું કે, આ પ્રકારના કૃત્યો એ ગુનાઓનો ખુલાસો કરે છે જે પ્રકૃતિમાં સંજ્ઞેય છે અને સીધી રીતે મને અને અન્ય સદસ્યોને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો IPCની કલમ 182, 194, 195ए, 211, 203, 505 અને 506 હેઠળ દંડનીય ગુનો છે.
શુભેન્દુ અધિકારી પહેલા TMCમાં હતા. ડિસેમ્બર 2020માં કન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.