I.N.D.I.A. ગઠબંધનના પરાજય માટે કોંગ્રેસ જવાબદાર, ભાજપની જીતનો મમતાએ ફોડ પાડ્યો
Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના નવા પુસ્તકમાં કોંગ્રેસની ટીકા કરી છે. આ સિવાય ભાજપને ત્રીજીવાર બહુમતિ ન હોવા છતાં સત્તા મળવા પાછળ કોંગ્રેસને જવાબદાર ગણી છે. મમતાનું કહેવું છે કે, કોંગ્રેસની ભૂલોના કારણે વિપક્ષનું ગઠબંધન INDIA ચૂંટણીમાં અસફળ રહ્યું અને ભાજપને બહુમત વિના ફરી સત્તા હાંસલ કરવાની તક મળી.
લોકસભાની ચૂંટણી વિશે કરી વાત
મમતા બેનર્જીએ ત્રણ નવી પુસ્તકને મંગળવારે (28 જાન્યુઆરી) કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં લૉન્ચ કરી. આ પુસ્તકોમાંથી એકનું નામ 'Banglar Nirbachon o Amra' છે. જેમાં તેઓએ 2024માં લોકસભાની ચૂંટણીના પરિણામો પર પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે.
કોંગ્રેસની ભૂલોના કારણે ભાજપને સત્તા મળી
પોતાના પુસ્તકમાં મમતા બેનર્જીએ કહ્યું કે, 'અમે ભારતીય જનતા પાર્ટી સામે એક મજબૂત વિપક્ષી ગઠબંધન બનાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો, જેમાં તમામ વિરોધી પાર્ટીને એકજૂટ કરી શકાય. શરુઆતથી જ અમે એક સામાન્ય ન્યૂનતમ કાર્યક્રમ અને સામાન્ય ચૂંટણી ઢંઢેરા પર ભાર મૂકી રહ્યા હતા. વિપક્ષી ગઠબંધનનું નામ પણ મારો જ પ્રસ્તાવ હતો. કોંગ્રેસને રાષ્ટ્રીય ગઠબંધનનો નેતા બનાવવા માટેનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ન તો કોઈ સામાન્ય ન્યૂનતમ કર્યક્રમ થયો અને ન કોઈ સામાન્ય ચૂંટણી ઢંઢેરો. ગઠબંધનના સભ્ય એકબીજા સામે જ ચૂંટણી લડી રહ્યા હતા. જેનો ફાયદો ભાજપને મળ્યો અને તે બહુમત વિના સત્તામાં પરત ફરવા માટે સફળ રહી.'
મમતા બેનર્જીએ પોતાની પુસ્તકમાં એવો પણ દાવો કર્યો કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં જેટલી બેઠકો જીતી તેમાંથી મોટાભાગની બેઠક ઇન્ડિયા ગઠબંધનના અન્ય સહયોગીના સમર્થનના કારણે જ મળી શકી છે.
એન્ટી-તૃણમૂલ ગઠબંધન
જણાવી દઈએ કે, બંગાળમાં કોંગ્રેસ અને CPI(M) નેતૃત્વવાળા વામ મોરચાની વચ્ચે બેઠક વહેંચણીની વ્યવસ્થા પર પણ મમતા બેનર્જીએ ટિપ્પણી કરી. તેઓએ કહ્યું કે, રાજ્યમાં આ ભાજપ સાથે ગુપ્ત સમજૂતી હેઠળ મોટું એન્ટી-તૃણમૂલ કોંગ્રેસ ગઠબંધન હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની સફળતા તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિભિન્ન વિકાસાત્મક કાર્યોથી પ્રેરિત જનતાના સમર્થનના કારણે હતું.
2024ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 29 બેઠક જીતી હતી. 2019માં તેની સંખ્યા 22 હતી. વળી ભાજપ પોતાના નબળા દેખાવ સાથે 12 બેઠકો પર સિમિત રહ્યું હતું. 2019ની ચૂંટણીમાં ભાજપના 18 સાંસદ હતા, કોંગ્રેસે એક બેઠક જીતી હતી. જ્યારે CPI(M)-નેતૃત્વવાળા મોરચાને કોઈ બેઠક મળી ન હતી.