વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના બદલે કોલકાતા અથવા મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીતી જાત: CM મમતા બેનર્જી
Image Source: Twitter
- દેશની ક્રિકેટ ટીમનું 'ભગવાકરણ' કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે: CM મમતા બેનર્જી
કોલકાતા, તા. 23 નવેમ્બર 2023, ગુરૂવાર
ભારતના વર્લ્ડ કપની ફાઈનલમાં મળેલી હારે રાજકારણમાં પણ હંગામો મચાવી દીધો છે. પીએમ મોદીનું સ્ટેડિયમમાં મેચ જોવા જવું એ વિપક્ષને એક નવો મુદ્દો મળી ગયો છે તેમના પર નિશાન સાધવાનો. બીજી તરફ આ હારના આરોપ-પ્રત્યારોપ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો છે કે, જો ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ કોલકાતા અથવા મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીતી જાત.
સીએમએ ઈન્ડોર સ્ટેડિયમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા આરોપ લગાવ્યો કે દેશની ક્રિકેટ ટીમનું 'ભગવાકરણ' કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેઓ સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને અમારા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને હું માનું છું કે જો ફાઈનલ કોલકાતા અથવા વાનખેડે (મુંબઈમાં) યોજાઈ હોત, તો અમે વર્લ્ડ કપ જીતી ગયા હોત.
મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓએ ભગવા રંગની પ્રેક્ટિસ જર્સી રજૂ કરીને ટીમને ભગવા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ખેલાડીઓએ વિરોધ કર્યો હતો અને પરિણામ સ્વરૂપ તેમને મેચો દરમિયાન તે જર્સી પહેરવાની જરૂર ન પડી.
ભાજપ પર પોતાનો પ્રહારો ચાલુ રાખતા બેનર્જીએ કહ્યું કે, પાપીઓ જ્યાં જાય છે ત્યાં પોતાના પાપો પોતાની સાથે લઈને જાય છે. કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, ભારતીય ટીમ એટલી સારી રીતે રમી કે તેણે વર્લ્ડ કપની તમામ મેચો જીતી લીધી હતી માત્ર એ મેચ છોડીને જેમાં પાપીઓએ ભાગ લીધો હતો.
રાહુલ ગાંધીની ટિપ્પણી વિરુદ્ધ કાર્યવાહીની માંગ
આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'પનોતી' શબ્દનો ઉપયોગ કર્યો હતો કારણ કે તેઓ વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ફાઈનલ પહેલા ભારત ટુર્નામેન્ટમાં સતત 10 જીત બાદ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ ટિપ્પણી બદલ ભાજપે ચૂંટણી પંચ પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.