મુર્શિદાબાદમાં નાની-મોટી હિંસા, વક્ફની જમીન પર રહે છે હિન્દુઓ: ઈમામ સંમેલનમાં મમતા બેનરજીનું નિવેદન
Mamata Banerjee On New Waqf Act: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં વક્ફ કાયદા મુદ્દે વિશાળ ઈમામ સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં વક્ફ કાયદાનો વિરોધ કરવાની સાથે નાયડૂ અને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. વક્ફની જમીન પર હિન્દુઓ પર રહેતાં હોવાનું નિવેદન આપતાં મુર્શિદાબાદમાં થયેલી હિંસાને વધારી-ચડાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ મૂક્યો હતો.
મમતા બેનરજીએ જણાવ્યું કે, હિન્દુઓએ સામાજિક કલ્યાણ માટે વક્ફને સંપત્તિ દાન કરી હતી. આજે અનેક સ્થળો પર વક્ફ સંપત્તિઓ પર હિન્દુ પરિવાર વસી રહ્યા છે. ભાજપે સ્ટેટ વક્ફ બોર્ડ તોડવા અને તેનું નિયંત્રણ પોતાના હાથમાં લીધુ છે. દેશમાં તમારી પાસે સંપૂર્ણ બહુમત નથી. તેમ છતાં તમે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે.
મુર્શિદાબાદની નાની હિંસાને મોટું રૂપ અપાયું
મમતા બેનરજીએ જણાવ્યું કે, તૃણમુલ કોંગ્રેસ વક્ફ હિંસા માટે જવાબદાર હોત તો અમારા નેતાઓના ઘર પર હુમલાઓ ન થયા હોત. મુર્શિદાબાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં વક્ફ કાયદા મુદ્દે થોડીઘણી અશાંતિ ફેલાઈ હતી. પરંતુ તેને તોડી-મરોડી મોટું રૂપ અપાઈ રહ્યું છે. ખોટી અફવાઓ ફેલાવી પક્ષને બદનામ કરવામાં આવી રહ્યો છે. અમુક રિપોર્ટ આવ્યા કે, મુર્શિદાબાદમાં હિંસા સીમા પાર (બાંગ્લાદેશી)ના અમુક અસામાજિક તત્વોએ કરી છે. જો આ વાતને માની લઈએ તો બીએસએફની સેના સરહદ પર શું કરે છે?
અમુક મીડિયા હાઉસની ભાજપ સાથે સાઠગાંઠ
મમતાએ આગળ કહ્યું કે, અમુક મીડિયા હાઉસની ભાજપ સાથે સાઠગાંઠ છે. તેઓ બંગાળને બદનામ કરવા માટે અન્ય રાજ્યોની હિંસાના વીડિયો પણ મુર્શિદાબાદના હોવાનું કહી પ્રસારિત કરી રહ્યા છે. તેમજ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે કે, વિપક્ષ જાણી જોઈને વક્ફ કાયદાના વિરોધની આડમાં કોમી હિંસા ફેલાવી રહ્યું છે.
રાજ્યમાં વક્ફ કાયદો લાગુ નહીં થાય
CM મમતા બેનરજીએ અગાઉ જાહેરાત કરી હતી કે, તે રાજ્યમાં વક્ફનો સંશોધિત કાયદો લાગુ થવા દેશે નહીં. તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ તેમાં ફેરફાર કરવાની અપીલ કરશે. ચંદ્રબાબુ નાયડૂ અને નીતિશ કુમાર વક્ફના નવા કાયદાને સમર્થન આપી રહ્યા છે. બંને દિગ્ગજો ચૂપ છે. તેઓ સત્તા માટે તમારા બધાનો ભોગ લઈ શકે છે.