‘...તેમણે લોકશાહી સાથે છેતરપિંડી કરી’ મહુઆ મોઈત્રા મામલે ભાજપ પર ગુસ્સે થયા મમતા બેનર્જી
મોઈત્રા મામલે મમતા બેનર્જીએ કહ્યું, ભાજપે લોકશાહી સાથે દગો કર્યો, તેમણે મહુઆને જવાબ રજુ કરવા મંજુરી ન આપી
મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થતા વિપક્ષ પણ લાલઘુમ, કહ્યું ‘આ ષડયંત્ર, અમને બોલવાની તક ન આપી’
નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, શુક્રવાર
પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાએ સંસદમાંથી સભ્ય પદ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી મોઈત્રા સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું છે. મોઈત્રાનું સભ્ય પદ રદ થવા મામલે મમતા બેનર્જીએ કહ્યું કે, આ લોકતંત્રની હત્યા છે. મોઈત્રા અંગે લોકસભાના નિર્ણયના થોડી જ મિનિટોમાં મમતાએ કહ્યું કે, ‘ડેમોક્રેસીની બાઈપાસ સર્જરી થઈ ગઈ છે.’
485 પેજ વાંચવા સમય ન અપાયો, મમતાનો આક્ષેપ
દાર્જિલિંગના કર્સિયાંગમાં મમતા બેનર્જીએ જણાવ્યું કે, મહુવા મોઈત્રા પરિસ્થિતિઓનો શિકાર બની છે. તેમના સભ્યપદ રદ થવા મામલે હું કડક નિંદા કરું છું. અમારી પાર્ટી મહુઆ સાથે છે અને INDIA ગઠબંધન સાથે મળીને લડશે. આ બાબત લોકશાહી માટે દુર્ભાગ્યની વાત છે. ભાજપનું વલણ જોઈ મને દુઃખ થઈ રહ્યું છે. ભાજપે લોકશાહી સાથે દગો કર્યો. તેમણે મહુઆને પોતાનો સ્પષ્ટ જવાબ આપવા મંજુરી ન આપી, જે તેમની સાથે અન્યાય છે. મમતાએ કહ્યું કે, તમામ પક્ષોને સમય ન અપાયો... 485 પેજને વાંચવા માટે સમય પણ ન અપાયો... આ લડાઈને મહુઆ જીતશે અને અમે તેમની સાથે છીએ. પ્રજા ભાજપને જડબાતોડ જવાબ આપશે અને મહુઆને જીતાડશે.
મહુઆ મોઈત્રાનું સંસદમાંથી સભ્યપદ રદ
મમતાની પ્રતિક્રિયા અગાઉ પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાનું સંસદમાંથી સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. લોકસભામાં એથિક્સ કમિટીના ચેરમેન અને ભાજપ સાંસદ વિનોદ કુમાર સોનકરે રિપોર્ટ રજુ કર્યો હતો. ત્યારબાદ ચર્ચા થઈ... આ દરમિયાન વિપક્ષે મોઈત્રાના મામલાને ષડયંત્ર હોવાનું કહ્યું. વિપક્ષે કહ્યું કે, ભાજપ ઉતાવળમાં નિર્ણય લઈ રહી છે. મહુઆ મોઈત્રા અને અન્ય સાંસદોને બોલવાની તક આપવી જોઈએ. તો બીજીતરફ ઓમ બિરલાએ ઈન્કાર કરી દીધો અને નિર્ધારિત કરેલા સમયમાં ચર્ચા કર્યા બાદ લોકસભા સભ્યપદ રદ કરવાના પ્રસ્તાવને ધ્વનિમતથી મંજૂરી મળી ગઈ. આ સાથે જ મોઈત્રાનું સભ્યપદ રદ થઈ ગયું.