ખોટું બોલી રહ્યા છે મમતા બેનર્જી, બોલવાનો મોકો અપાયો: માઇક બંધ કરવા મુદ્દે સરકારનો જવાબ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ખોટું બોલી રહ્યા છે મમતા બેનર્જી, બોલવાનો મોકો અપાયો: માઇક બંધ કરવા મુદ્દે સરકારનો જવાબ 1 - image


Image: Facebook

Niti Aayog Meeting: દિલ્હીમાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક થઈ. મીટિંગમાં સામેલ થવા પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમને બોલવાની તક આપવામાં આવી નહીં. સરકારી સૂત્રોએ જણાવ્યું કે મમતાના દાવાઓને ફગાવી દેવાયા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મમતા બેનર્જીએ મીડિયામાં કહ્યું કે તેમનું માઈક બંધ કરી દેવાયું, આ સંપૂર્ણપણે ખોટું છે. 

મમતા બેનર્જીનો દાવો ખોટો છે

મમતા બેનર્જીના આરોપો પર નિર્મલા સીતારમણે કહ્યું, 'સીએમ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા હતા. અમે સૌ એ તેમને સાંભળ્યા. દરેક મુખ્યમંત્રીને અલોટ કરેલો સમય આપવામાં આવ્યો જે દરેક ટેબલ પર લાગેલી સ્ક્રીન પર જોવા મળી રહ્યો હતો. તેમણે મીડિયામાં કહ્યું કે તેમનું માઇક બંધ કરી દેવાયું હતું. આ સંપૂર્ણપણે ખોટું છે.'

તેમણે વધુમાં જણાવ્યું કે 'દરેક મુખ્યમંત્રીને બોલવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમનું માઇક બંધ કરી દેવાયું હતું, જે સાચું નથી. તેમણે જુઠ્ઠાણા પર આધારિત વાર્તા બનાવવાને બદલે સત્ય બોલવું જોઈએ.'

કેન્દ્રીય મંત્રીઓએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું, 'પાર્લામેન્ટમાં કોઈ કહે છે મારું માઇક બંધ કરી દેવામાં આવે છે, કોઈ કહે છે મને બોલવા દેતાં નથી. આ ક્યાંક ને ક્યાંક અફવા છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હું તે મીટિંગમાં ન હતો પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે આવું થયું નહીં હોય.'

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે મમતા બેનર્જી જે કહી રહ્યા છે તે સંપૂર્ણપણે મિસલીડિંગ છે. તેમણે પોતે કહ્યું કે તેઓ ઉતાવળે નીકળવા ઇચ્છતા હતા તેથી તેમને પહેલા બોલવાની પરવાનગી આપવી જોઈએ. તેમને પૂરતો સમય આપવામાં આવ્યો. તેમનો બેલ પણ વાગ્યો ન હતો. તેમણે પોતાની વાત કહી. ત્યારબાદ તેઓ બહાર આવી ગયાં અને તે જ કર્યું જે તેમણે કરવું હતું. અફસોસની વાત છે.

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું, 'નીતિ આયોગની બેઠકમાં શું થયું તે મે જોયું નથી. હું માત્ર એટલું જ કહી શકું છું કે આ તથાકથિત INDIA ગઠબંધન કોઈ ગઠબંધન નથી કેમ કે મમતાએ પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસને એક પણ સીટ આપી નહીં. તે જનતાના જનાદેશને પચાવી શક્યા નથી તેથી કંટાળી ગયા છે.'

બેઠકને અધવચ્ચે છોડીને નીકળ્યાં મમતા બેનર્જી

મમતા બેનર્જી નીતિ આયોગની બેઠકને અધવચ્ચે જ છોડીને જતા રહ્યા. તેમણે કહ્યું, 'મેં બેઠકનો બહિષ્કાર કર્યો છે. ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટ આપવામાં આવી. આસામ, ગોવા, છત્તીસગઢના સીએમે 10-12 મિનિટ સુધી વાત કરી. મને માત્ર પાંચ મિનિટ બોલ્યા બાદ રોકી દેવામાં આવી. આ ખોટું છે.'

તેમણે કહ્યું, 'વિપક્ષ તરફથી, માત્ર હું અહીં પ્રતિનિધિત્વ કરી રહી છું અને આ બેઠકમાં એટલા માટે ભાગ લઈ રહી છું કેમ કે સહકારી સંઘવાદને મજબૂત કરવામાં મને વધુ રસ છે. નીતિ આયોગની પાસે કોઈ નાણાકીય શક્તિઓ નથી. આ કેવી રીતે કામ કરશે? આ નાણાકીય શક્તિ આપે અથવા યોજના આયોગને પાછું લાવે. મેં પોતાનો વિરોધ નોંધાવ્યો અને હું બહાર આવી ગઈ.'

આ મારું અપમાન છે

મમતા બેનર્જીએ કહ્યું, 'મેં કહ્યું બંગાળને ફંડ આપો અને તમે ભેદભાવ ના કરો. મેં કહ્યું જ્યારે કેન્દ્ર સરકાર ચલાવો છો તો તમામ રાજ્યોનું વિચારવું જોઈએ. હું સેન્ટ્રલ ફંડ વિશે જણાવી રહી હતી કે તે પશ્ચિમ બંગાળને આપવામાં આવી રહ્યું નથી. ત્યારે તેમણે મારું માઇક બંધ કરી દીધું. મેં કહ્યું કે વિપક્ષમાંથી હું જ બેઠકમાં ભાગ લઈ રહી છું. તમારે ખુશ થવું જોઈએ, તેના બદલે તમે પોતાની પાર્ટી અને સરકારને વધુ પસંદગી આપી રહ્યા છો. આ ન માત્ર બંગાળનું અપમાન છે પરંતુ તમામ ક્ષેત્રીય દળોનું પણ અપમાન છે. આ મારું પણ અપમાન છે.'

વિકસિત ભારત @2047 દરેક ભારતીયની મહત્ત્વાકાંક્ષા

નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, વિકસિત ભારત @2047 દરેક ભારતીયની મહત્ત્વાકાંક્ષા છે. રાજ્ય આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્રિય ભૂમિકા નિભાવી શકે છે કેમ કે તે લોકો સાથે સીધી રીતે જોડાયેલા છે. તેમણે કહ્યું, 'આ દાયકો પરિવર્તનનો છે, રાજકીય સાથે સાથે તકનીકી અને ભૌગોલિક અવસરોનો પણ. ભારતે આ અવસરનો લાભ ઉઠાવવો જોઈએ અને પોતાની નીતિઓ આંતરરાષ્ટ્રીય રોકાણ માટે અનુકૂળ બનાવવી જોઈએ. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પ્રગતિની સીડી છે.'


Google NewsGoogle News