પશ્ચિમ બંગાળનું નામ જ બદલી કાઢવા મમતા સરકાર તૈયાર, જાણો નવું નામ શું રાખવું છે?
West Bengal Name Change: તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે પશ્ચિમ બંગાળનું નામ બદલીને 'બાંગ્લા' કરવાની માગ કરતા કહ્યું કે, આ નામ રાજ્યના ઈતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય રીતાબ્રત બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાએ જુલાઈ 2018માં રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યો હતો પરંતુ કેન્દ્રએ હજુ સુધી તેને મંજૂરી નથી આપી.
તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે આ નામકરણ રાજ્યના ઈતિહાસ, સંસ્કૃતિ અને ઓળખ સાથે મેળ ખાય છે અને અહીંના લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત પણ કરે છે.
આપણા રાજ્યનું નામ બદલવાની જરૂર
વર્ષ 1947માં બંગાળનું વિભાજન થયું. ભારતીય ભાગને પશ્ચિમ બંગાળ અને બીજા ભાગને પૂર્વ પાકિસ્તાન નામ આપવામાં આવ્યુ હતું. 1971માં પૂર્વ પાકિસ્તાને સ્વતંત્રતાની ઘોષણા કરી અને બાંગ્લાદેશ એક નવું રાષ્ટ્ર બન્યું. બેનર્જીએ કહ્યું કે આજે કોઈ પૂર્વ પાકિસ્તાન નથી. 'આપણા રાજ્યનું નામ બદલવાની જરૂર છે. પશ્ચિમ બંગાળના લોકોના જનાદેશનું સન્માન કરવાની જરૂર છે. છેલ્લે 2011માં રાજ્યનું નામ બદલવામાં આવ્યું હતું, જ્યારે ઓરિસ્સાનું નામ બદલીને ઓડિશા રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસે 'ફ્રીડમ ઓફ સ્પીચ'ને કચડી, બંધારણના ઘડવૈયાઓનો અનાદર કર્યો: PM મોદી
અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા
તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા છે. તેમાં બોમ્બે સામેલ છે, જે 1995માં મુંબઈમાં પરિવર્તિત થઈ ગયું, 1996માં મદ્રાસને ચેન્નાઈ, 2001માં કલકત્તાને કોલકાતા અને 2014માં બેંગલોરનું નામ બેંગલુરુ કરી દેવામાં આવ્યું હતું.