Get The App

'હું મોદી સરકારની સાથે ઊભી છું...', મમતા બેનર્જીએ ચોંકાવ્યા, જાણો કયા મુદ્દે કેન્દ્રનો કર્યો સપોર્ટ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
'હું મોદી સરકારની સાથે ઊભી છું...', મમતા બેનર્જીએ ચોંકાવ્યા, જાણો કયા મુદ્દે કેન્દ્રનો કર્યો સપોર્ટ 1 - image


Mamata Banerjee on Bangladeshi Hindus: મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસક ઘટનાઓ અને ઈસ્કોન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. આ સાથે જ તેમણે મોદી સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની પણ માગ કરી છે. આ સાથે જ મોદી સરકારને આ મુદ્દે પગલાં લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સમર્થન પણ મળી ગયું છે. તેમણે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ. કેન્દ્ર સરકાર જે પણ કાર્યવાહી કરશે અમે તેમની સાથે છીએ, આ મુદ્દે હું મોદી સરકારની સાથે ઊભી છું. મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે, આ બીજા દેશની વાત છે. તેથી હું આ અંગે ટિપ્પણી કરવા નથી માગતી, કારણ કે તે અમારા અધિકારક્ષેત્રની બહારનો મામલો છે. બેનર્જીએ વિધાનસભામાં સ્પષ્ટતા કરી કે આ મુદ્દો કેન્દ્ર સરકારે ઉકેલવો પડશે અને રાજ્ય સરકાર કેન્દ્રના નિર્ણયનું પાલન કરશે.

અમારી સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છે

એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે, 'અમારી સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છે. અમે નથી ઇચ્છતા કે કોઈ ધર્મને નુકસાન થાય. મેં અહીં ઈસ્કોન સાથે વાત કરી છે. આ અન્ય દેશ સાથે સંબંધિત મામલો હોવાથી કેન્દ્ર સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. અમે આ મુદ્દે તેમની સાથે ઊભા છીએ.'

સંયુક્ત રાષ્ટ્રને હસ્તક્ષેપની માગ કરી

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બાંગ્લાદેશમાં એક હિંદુ નેતાની ધરપકડની નિંદા કરી અને કહ્યું કે, આ પ્રકારના હુમલા માનવતા વિરુદ્ધ છે. તેમણે બુધવારે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા દર્શાવે છે કે તે દેશની વચગાળાની સરકાર 'કટ્ટરવાદીઓની ચંગુલમાં' છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને આ મામલે હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું.

ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ પર ભારતે ચિંતા વ્યક્ત કરી હતી

આ પહેલા બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ થતાં ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. ચિન્મય કૃષ્ણદાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં એક રેલી યોજી હતી. જેના લીધે ચિન્મય દાસ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતા ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં તેમની જામીન અરજી પણ રદ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ભારે તણાવ વચ્ચે ઈસ્કોનને મોટી રાહત, હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો કર્યો ઈનકાર

વિદેશ મંત્રાલયે યુનુસ સરકારના વલણની ટીકા કરી

દેશના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું હતું કે, ‘અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીનનો અસ્વીકાર કરવા બદલ ચિંતિત છીએ. આ ઘટના બાંગ્લાદેશમાં ચરમપંથી તત્ત્વો દ્વારા હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર કરવામાં આવેલા હુમલા બાદ બની છે. લઘુમતીઓના ઘર અને વેપારો પર આગચંપી અને લૂંટફાટ થઈ રહી છે, તેઓ ચોરી અને તોડફોડનો પણ ભોગ બન્યા છે. આ દુર્ભાગ્યવશ છે કે, આ ઘટનાઓના અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યારે શાંતિપૂર્ણ સભાઓના માધ્યમથી કાયદેસર કામ કરનારા ધાર્મિક નેતાઓ જેલમાં છે.’


Google NewsGoogle News