'હજુ 10 વર્ષ હું જ લીડર, મારી અસલ ઉંમર તો....', ભત્રીજાને મમતા બેનર્જીનો મોટો ઝટકો
West Bengal Politics: પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી(તૃણમૂલ કોંગ્રેસ)માં મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક વચ્ચે મતભેદની ખબર સામે આવી રહી છે. એવા પણ વાવડ છે કે, અભિષેક બેનર્જી પાર્ટીમાં મુખ્ય પદ ઇચ્છે છે. પરંતુ, મમતા બેનર્જીએ હાલ ભત્રીજા માટે ફક્ત રાહ જોવાનો જ વિકલ્પ રાખ્યો છે. તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણીને લઈને કહ્યું કે, 'પાર્ટીના કાર્યકર્તા મારો જન્મદિવસ ઉજવે છે, પરંતુ મારી જન્મતિથિ નક્કી જ નથી. મારી ઉંમર તો સર્ટિફિકેટ પર 5 વર્ષ વધારે લખી છે.' આ સિવાય મમતા બેનર્જીએ મિટીંગમાં કહ્યું કે, હજુ હું 10 વર્ષ સુધી સક્રિય છું અને પાર્ટીની કમાન મારી પાસે જ રહેશે. મમતા બેનર્જીની આ ટિપ્પણી બાદ ચર્ચા તેજ થઈ છે કે, શું દીદીએ ભત્રીજાની વધતી મહત્ત્વકાંક્ષાઓ પર લગામ લગાવવા માટે આ નિર્ણય લીધો છે?
જન્મતિથિ વિશે કરી વાત
મમતા બેનર્જીએ કહ્યું, 'દરેક મારો જન્મદિવસ ઉજવે છે. પરંતુ, મારી જે જન્મતિથિ જણાવવામાં આવે છે, ત્યારે હું નહોતી જન્મી. તે સમયે ઘરે જ બાળકો પેદા થતા હતા. મને ઘણા લોકો જન્મદિવસની શુભકામના આપે છે, પરંતુ આ મારી જન્મ તારીખ નથી. મારા માતા-પિતાએ બસ સર્ટિફિકેટમાં આ તારીખ લખાવી દીધી હતી, જેને આજે મારા જન્મની તિથિ માનવામાં આવે છે. જોકે, આમાં કંઈ ખોટું નથી. પહેલાંના સમયમાં આવું જ થતું હતું. લોકો સમય વગેરે પર વધારે ધ્યાન ન આપતા. હૉસ્પિટલમાં બાળકોનો જન્મ થતો નહીં, પરંતુ ઘરમાં જ બાળકો પેદા થતા હતાં. મેં એક પુસ્તકમાં પણ મારા જન્મ વિશે લખ્યું છે કે, કેવી રીતે મારા શાળા પ્રવેશ વખતે જન્મ તારીખ લખાવવામાં આવી હતી.'
આ પણ વાંચોઃ મહાકુંભમાં વધુ એક સુંદરી વાઇરલ, લોકો 'મોનાલિસા' સાથે કરવા લાગ્યા તુલના, જુઓ PHOTOS
દીદીના હાથમાં જ રહેશે ટીએમસીની કમાન
નોંધનીય છે કે, દસ્તાવેજોમાં મમતા બેનર્જીની જન્મતિથિ 5 જાન્યુઆરી, 1955 લખવામાં આવી છે. જે મુજબ તે 70 વર્ષના થઈ ગયા છે. પરંતુ, મમતા બેનર્જીનો દાવો છે કે, તેમની ઉંમર 65 વર્ષની છે. મમતા બેનર્જીના આ દાવાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ટીએમસીની કમાન હાલ મમતાના હાથમાં જ રહેશે. જણાવી દઈએ કે, અભિષેક બેનર્જી અને મમતા બેનર્જીના સમર્થકો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડાયમંડ હાર્બર લોકસભા વિસ્તારમાં અભિષેક બેનર્જી રાજ્ય સરકારથી અલગ યોજનાઓ ચલાવી રહ્યા છે. જેના પરથી તેવી પણ ચર્ચા થઈ રહી છે કે, અભિષેક બેનર્જીના આ પ્રયાસો મમતા દીદીથી અલગ મોડેલ રજૂ કરવાનો પ્રયાસ છે.
આ પણ વાંચોઃ મહિલાઓને દર મહિને રૂ.2500, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં; દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા
ભત્રીજા સાથે દીદીના ડખાં?
રસપ્રદ વાત એ છે કે, મમતા બેનર્જીએ 10 વર્ષ એક્ટિવ રહેવાની વાત કહી તો અભિષેક બેનર્જીએ પાર્ટીમાં દીદી સાથેના મતભેદોનો ઇન્કાર પણ ન કર્યો. અભિષેક બેનર્જીએ કહ્યું કે, 'પરિવારમાં આવું થતું રહે છે. જ્યારે કોઈ રાજકીય પાર્ટી વધે છે અને મોટી થાય છે તો આવા કિસ્સા સામે આવે છે. શું ભાજપ અને સીપીએમ વચ્ચે કોઈ મતભેદ નથી? પરિવારોમાં પણ આંતરિક મતભેદ હોય છે. હજારો પાર્ટી કાર્યકર્તા છે. તેથી, એકબીજા વચ્ચે થોડા ઘણાં મતભેદ હોવા વાજબી છે. શું વર્કપ્લેસ પર કર્મચારીઓમાં મતભેદ નથી થતા? પરંતુ તેનો એવો અર્થ નથી કે, જેના મનમાં જે આવે, તે કરવા લાગે.'