મલ્લિકાર્જુન ખડગેને ખતરો!, કેન્દ્રીય એજન્સીઓની એલર્ટ પછી Z પ્લસ સુરક્ષાની જાહેરાત
ભારતમાં Z પ્લસ સુરક્ષાને સર્વોચ્ચ શ્રેણીની સુરક્ષા માનવામાં આવે છે
Mallikarjun Kharge Z+ Security: લોકસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય એજન્સીઓના એલર્ટ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z પ્લસ સુરક્ષા મળશે.
સીઆરપીએફ કમાન્ડો મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા કરશે
અહેવાલો અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z પ્લસ સુરક્ષા આપવામાં આવશે. સીઆરપીએફ મલ્લિકાર્જુન ખડગેને સુરક્ષા કવચ આપશે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મલ્લિકાર્જુન ખડગે દેશના અલગ-અલગ વિસ્તારોમાં જાહેર સભાઓમાં ભાગ લઈ રહ્યા છે.
જાણો શું છે Z પ્લસ સુરક્ષા?
ગૃહ મંત્રાલયની સુરક્ષાની 'યલો બુક'ના આધારે, Z પ્લસ કેટેગરીની સુરક્ષા સિવાય, VIP લોકોને અન્ય ઘણી પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવે છે, જેમાં Z કેટેગરી, Y પ્લસ કેટેગરી, Y કેટેગરી અને X કેટેગરીનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં Z પ્લસ સુરક્ષાને સર્વોચ્ચ શ્રેણીની સુરક્ષા માનવામાં આવે છે. Z પ્લસ સુરક્ષામાં 10થી વધુ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સહિત 55 ટ્રેન્ડ જવાનો તહેનાત કરવામાં આવે છે. આ તમામ કમાન્ડો 24 કલાક વ્યક્તિની આસપાસ ચાંપતી નજર રાખે છે. સુરક્ષામાં તહેનાત દરેક કમાન્ડો માર્શલ આર્ટ જાણતા હોય છે. આ સાથે તેમની પાસે આધુનિક હથિયારો પણ હોય છે. ભારતમાં જેમને Z+ સુરક્ષા મળી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવત સહિત ઘણી મોટી હસ્તી સમાવેશ સમાવેશ થાય છે.