Get The App

'મણિપુર ના એક હૈ, ના સેફ હૈ': રમખાણો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું PM મોદી પર નિશાન

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
'મણિપુર ના એક હૈ, ના સેફ હૈ': રમખાણો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું PM મોદી પર નિશાન 1 - image


Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. મૈતેઈ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઈમ્ફાલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીના આવાસમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન 7 ધારાસભ્યોના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ ચર્ચ પર પણ હુમલો કર્યો હતો. મણિપુરમાં મોટી સંખ્યામાં સેના અને અન્ય સુરક્ષા દળો હાજર હોવા છતાં આ બધું થયું. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ સમયે શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે. 

મણિપુરમાં એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાન પર છે. ત્યારે હવે આ વચ્ચે ફરી એક વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'મણિપુર ના એક હૈ ના સેફ હૈ'. આ રીતે તેમણે વડાપ્રધાન મોદીના ‘હમ એક હૈ, તો સેફ હૈ’ નિવેદનને ફરી એકવાર યાદ અપાવીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.  


PM મોદી પર સાધ્યું નિશાન

ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'તમારી ડબલ એન્જિન સરકારમાં મણિપુર ના એક હૈ ના સેફ હૈ. મે 2023થી રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે, જેણે ત્યાનાં લોકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે, એવું લાગે છે કે ભાજપ જાણી જોઈને મણિપુરને સળગાવવા માગે છે, કારણ કે, તે પોતાની ઘૃણાસ્પદ વિભાજનકારી રાજનીતિ કરે છે.'

મણિપુરની જનતા તમને ક્યારેય માફ નહીં કરે

તેમણે આગળ કહ્યું કે, 7 નવેમ્બરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોની યાદીમાં નવા જિલ્લાઓ ઉમેરવામાં આવી રહ્યા છે અને આગ સરહદે આવેલા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ફેલાઈ રહી છે. તમે સુંદર સરહદી રાજ્ય મણિપુરમાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છો. ભવિષ્યમાં તમે મણિપુર જશો તો પણ રાજ્યની જનતા તમને ક્યારેય માફ નહીં કરશે. અહીંના લોકો ક્યારેય ભૂલશે નહીં કે તમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા અને તેમની વેદનાઓને દૂર કરવા અને ઉકેલો શોધવા માટે તેમના રાજ્યમાં ક્યારેય પગ નહોતો મૂક્યો.

આ પણ વાંચો: મણિપુરમાં ફરી પરિસ્થિતિ બેકાબૂ: CM સહિત સાત ધારાસભ્યોના ઘર પર હુમલો, ઈન્ટરનેટ બંધ-કર્ફ્યૂ લાગુ



Google NewsGoogle News