સંસદમાં ધક્કામુક્કી મામલે નવો વળાંક: ખડગેએ કહ્યું- મને ઘૂંટણમાં ઈજા થઈ, તપાસ કરાવો
Mallikarjun Kharge: આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ બંને પક્ષના નેતાઓ એક બીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલઆમ દાખલ કરવામાં આવ્યા છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો. હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપ પર આરોપ લગાવ્યા છે. ખડગેએ તપાસની માંગ સાથે સ્પીકરને પત્ર લખતા કહ્યું છે, કે 'ભાજપ સાંસદોએ ધક્કો મારતા મારા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેમાં પહેલેથી સર્જરી કરવામાં આવી છે. ઈજાના કારણે મારે જમીન પર બેસી જવું પડ્યું હતું.
સંસદમાં ધક્કા-મુક્કીના મામલે વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, સંસદમાં પ્રવેશ કરતાં સમયે સત્તાધારી પાર્ટી ભાજપના સાંસદો તરફથી કથિત રીતે કોંગ્રેસના સાંસદોને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મને ઈજા થઈઃ ખડગે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો કે, ભાજપના સાંસદોએ ધક્કા મુક્કી કરી તેમાં મારા ઢીંચણમાં ઈજા થઈ છે. આ સંબંધિત ખડગેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
નોંધનીય છે કે, સંસદમાં ગુરૂવારે (19 ડિસેમ્બર) હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, રાહુલે સ્પષ્ટતા કરી હતી કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી. રાહુલે ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું કે, ભાજપના સાંસદો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીઢી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી. જોકે, અમને ધક્કા-મુક્કીથી કંઈ નથી થતું. ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે.