'એટલી જ ગેરંટીના વચનો આપો, જેટલું આપી શકો...' કર્ણાટક સરકારના સંકટ મુદ્દે ખડગેએ લીધો ઉધડો
Mallikarjun Kharge Slams Karnataka Govt: કર્ણાટક સરકાર હાલ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી નેતાઓ અને સરકારનો ઉધડો લીધો છે. ખડગેએ કહ્યું કે, એટલી જ ગેરંટીના વચનો આપો, જેટલું તમે આપી શકો. નહીં તો સરકારો નાદારી તરફ જતી રહેશે.
હકીકતમાં, ખડગે અહીં ચૂંટણી અભિયાનમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વચન પર ચર્ચા કરી રહ્યા હતાં. ખડગેએ કહ્યું કે, ‘કર્ણાટકમાં પાંચ ગેરંટીનું વચન આપવામાં આવ્યું હતું. તમને જોઈને અમે મહારાષ્ટ્રમાં પાંચ ગેરંટીનું વચન આપ્યું છે. આજે તમે જણાવ્યું કે, તમે એક ગેરંટી રદ કરી દેશો. એવું લાગે છે કે, તમે બધાં ન્યૂઝ પેપર નથી વાંચતા. પરંતુ મેં વાંચ્યું, એટલે કહી રહ્યો છું. અમે કર્ણાટક સરકરના કાર્યક્રમને મહારાષ્ટ્રમાં પુનરાવર્તન કરવા પર કામ કરી રહ્યા છીએ. મેં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે, પાંચ, છ, સાત કે આઠ ગેરંટીના વચન ન આપો. તેના બદલે એવા વચન આપો જે તમારા બજેટ પ્રમાણે હોય.’
આ પણ વાંચોઃ દિગ્ગજ મુખ્યમંત્રીની વય અંગે છંછેડાયો વિવાદ, પાંચ વર્ષમાં ઉંમર સાત વર્ષ વધી જતા હોબાળો!
વિચાર્યા વિના વચન આપશો તો...
ખડગેએ પાર્ટી નેતાઓને ચેતવ્યા અને કહ્યું કે, ‘જો તમે બજેટ પર વિચાર કર્યા વિના વચન આપતા રહેશો તો નાદારી તરફ જતા રહેશો. રસ્તા પર રેતી નાંખવાના પૈસા નહીં હોય. જો આ સરકાર અસફળ રહી તો તેની અસર આવનારી પેઢીઓ પર પડશે. આનાથી બદનામી થશે અને સરકારને આવનાર દસ વર્ષો સુધી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે, તેથી બજેટ પર સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.’
બજેટના આધારે ગેરંટીની ઘોષણા કરીશુંઃ ખડગે
ખડગે તેમજ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આપણે બજેટના આધારે મહારાષ્ટ્રમાં ગેરંટીની જાહેરાત કરીશું. ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. 15 દિવસની ચર્ચા બાદ હવે મહારાષ્ટ્રમાં ચૂંટણીની ગેરંટીએ આકાર લીધો છે. અમે તેની જાહેરાત નાગપુર અને મુંબઈમાં કરીશું.’
ચૂંટણીમાં કોંગ્રેસની પાંચ ગેરંટી
જણાવી દઈએ કે, કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના લોકોની સામે પાંચ મોટી ગેરંટી આપવામાં આવી હતી. તેમાં ગૃહ લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર બે મહિને 2 હજાર રૂપિયા, યુવા નિધિ હેઠળ બેરોજગાર ગ્રેજ્યુએટ્સને બે વર્ષ સુધી ત્રણ હજાર રૂપિયા, ડિપ્લોમાધારકોને 1500 રૂપિયા, અન્ન ભાગ્ય યોજનામાં ગરીબી રેખા નીચે દરેક પરિવારને દર મહિને પ્રતિ વ્યક્તિ 10 કિલો ચોખા, સખી કાર્યક્રમ હેઠળ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત યાત્રા અને ગૃહ જ્યોતિ યોજના હેઠળ દરેક ઘરને 200 યુનિટ વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
નાણાંકીય સંકટનો સામનો કરી રહી છે કર્ણાટક સરકાર
જાણકારોનું કહેવું હતું કે, જો કોંગ્રેસ પાંચેય ગેરંટીને પૂરી કરે છે તો તેનાથી કર્ણાટકની આવક ખાધ 60 હજાર કરોડ રૂપિયાથી વધીને 1 લાખ 14 હજાર કરોડ રૂપિયા થઈ જશે અને રાજ્યના કુલ બજેટના લગભગ 21 ટકા ભાગ છે. કર્ણાટક પર પહેલાંથી જ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એવામાં આ દેવામાં વધારો થઈ શકે છે.
ભાજપનું કહેવું છે કે, કર્ણાટક સરકાર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ છે. ગત વર્ષે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શિવકુમારે કહ્યું હતું કે, ચૂંટણી સમયે કોંગ્રેસે જે પાંચ ગેરંટી આપી હતી, તેને પૂરી કરવા માટે 40 હજાર કરોડ રૂપિયા અલગ રાખ્યા છે. તેથી તે નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પૈસા નથી આપી શકતી.