'લઘુમતીઓને પરેશાન કરવાનો ઇરાદો', સંસદમાં વક્ફ બિલને મંજૂરી પર ભડક્યા ખડગે
Waqf Amendment Bill 2025: વક્ફ (સુધારા) બિલ પર બંને સદનની મહોર લાગ્યા બાદ પણ વિપક્ષ આકરો વિરોધ નોંધાવી રહ્યું છે. ગઈકાલે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ગુરુવારે 12 કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ અંતે વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. બિલના સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. એક દિવસ પહેલાં જ લોકસભામાં 288 સાંસદોના સમર્થન સાથે વક્ફ બિલ પર મહોર વાગી હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી લેવા મોકલવામાં આવ્યું છે. તેમની મંજૂરી મળતાં જ કાયદો બની જશે.
વિપક્ષનો આકરો વિરોધ
વક્ફ બિલ સંસદમાં પસાર થતાં જ વિપક્ષોએ સોશિયલ મીડિયા પર X પર પોસ્ટ કરી મોટાપાયે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું હતું કે, વક્ફ બોર્ડ સંશોધન બિલે દેશમાં એવો ખરાબ માહોલ સર્જ્યો છે. લઘુમતીઓને હેરાન કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. લોકસભામાં મોડી રાત્રે આ બિલને મંજૂરી આપવામાં આવી. કેમ આવું થયું? તેનો અર્થ બિલમાં ઘણી ખામીઓ છે. વિવિધ પક્ષના વિરોધ બાદ પણ જબરદસ્તીથી આ બિલને મંજૂર કરાવવામાં આવ્યું છે. જીસકી લાઠી, ઉસકી ભેંસ. કોઈ માટે પણ આ યોગ્ય નથી.
વક્ફ બિલ વિશ્વને ખોટો સંદેશ આપશેઃ અખિલેશ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વક્ફ બિલ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, ભાજપના લોકો મુસલમાન ભાઈઓની વક્ફની જમીનની નોંધ લેવાની વાતો કરી રહ્યા છે. બીજી તરફ મહાકુંભમાં જે હિન્દુઓ માર્યા ગયા, તેમની નોંધ લેવાના બદલે તેમની વાત પર પડકદો નાખી રહ્યું છે. વક્ફ બિલ આખા વિશ્વને ખોટો સંદેશ આપશે. જેનાથી દેશની નિરપેક્ષ છબિને નુકસાન થશે. વક્ફ બિલ ભાજપની નફરતની રાજનીતિનું એક ઉદાહરણ છે.
સંઘ-ભાજપના લોકો તમારા માટે હું એકલો જ પૂરતો હતોઃ લાલુ પ્રસાદ
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, સંઘ-ભાજપના નાદાન લોકો તમે મુસ્લિમોની જમીન હડપવા માગો છો. પરંતુ તમે વક્ફની જમીન વેચવા માટે એક મોટો કાયદો બનાવ્યો છે. મને દુઃખ છે કે, લઘુમતીઓ, ગરીબો, મુસ્લિમો અને બંધારણને નુકસાન કરવાના આ કપરા કાળમાં હું સંસદમાં હાજર રહી શક્યો નહીં. નહીં તો હું એકલો જ તમારી સામે પૂરતો હતો. તમારા લોકોના વિચારો, વિચારસરણીને લઈને ચિંતામાં છું.