કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ભાજપ-RSSને ઝેરી સાપ ગણાવ્યા, કહ્યું- મહારાષ્ટ્રની ચૂંટણીમાં મારી નાખો
Mallikarjun Kharge On BJP and RSS: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે ત્યારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે. રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-આરએસએસ વિશે એવી વાત કરી કે હંગામો થઈ ગયો. એટલું જ નહીં ખડગેએ પીએમ મોદી માટે વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ નિવેદન પછી સ્વાભાવિક રીતે જ હોબાળો થઈ ગયો છે.
મલ્લિકાર્જુન ખડગેએ સાંગલીમાં એક જનસભાને સંબોધિત કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે સાંગલીમાં એક જનસભાનું સંબોધન કરતી વખતે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સેવા સંઘની સરખામણી ઝેર સાથે કરતાં કહ્યું હતું કે, 'આવા ઝેરી સાપને મારી નાખવો જોઈએ.' એટલું જ નહીં, પરંતુ ખડગેએ ભાજપ અને આરએસએસને રાજનૈતિક રૂપે સૌથી ખતરનાક પણ ગણાવ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેએ BJP-RSS વિશે શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ-આરએસએસ છે. આ બંને ઝેર સમાન છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ.'
ખડગેએ પીએમ મોદી પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં ખડગેએ કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે, આ દેશના વડાપ્રધાનને પસંદ કરવાની ચૂંટણી નથી, પરંતુ પીએમ મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી.' હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે.
પીએમ મોદી મણિપુરની મુલાકાત લેવાના બદલે વિદેશ યાત્રા કરી રહ્યા છે: મલ્લિકાર્જુન ખડગે
ભાજપ પર કટાક્ષ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતાં વધારે છે. પીએમ મોદી સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે. પીએમ મોદી ગઈકાલ સુધી અહીં હતા. આજે તેઓ વિદેશમાં છે. મણિપુર સળગી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, પરંતુ મોદીજીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી.
આ દરમિયાન ખડગેએ વધુમાં કહ્યું કે, 'આજે પણ તેઓ એક દેશની મુલાકાતે છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ પહેલાં તેમના ઘરની સંભાળ રાખે. પહેલાં દેશને મજબૂત બનાવો પછી અન્ય દેશોની મુલાકાતે જાઓ.'
ખડગેએ સીએમ યોગી પર પણ કર્યો કટાક્ષ
ભારતના દૃષ્ટિકોણથી, ખડગેએ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ સાથેની વડાપ્રધાનની બેઠકના પરિણામો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તર પ્રદેશના ઝાંસીની હૉસ્પિટલમાં આગની ઘટનાને લઈને પણ સીએમ યોગી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં આગમાં 10 બાળકોના મોત થયા છે. આમ છતાં મહારાષ્ટ્રમાં તેમની જાહેરસભાઓ બંધ થઈ ન હતી.