PMએ કોંગ્રેસની ટીકા કરતા ખડગે ભડક્યા, કહ્યું ‘જે લોકો બંધારણ પર વિશ્વાસ કરતા નથી, તેઓ...’
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ પર અસત્ય ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું, ‘તેમણે રાજ્યસભામાં ભાષણ દરમિયાન માત્ર કોંગ્રેસની ટીકા કરી, મોંઘવારી-બેરોજગારી પર કંઈ ન બોલ્યા’
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કરી દેશમાં ભાગલા પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પણ આડે હાથ લઈ કહ્યું હતું કે, તેમના યુવરાજને એક સ્ટાર્ટઅપ બનાવીને આપ્યું છે. હાલ તે નોન સ્ટાર્ટર છે. ન તો લિફ્ટ થઇ રહ્યાં છે, ન તો લોન્ચ થઇ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ વડાપ્રધાન મોદી પર કોંગ્રેસ અને યુપીએ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
ખડગેએ વડાપ્રધાન પર કર્યો કટાક્ષ
ખડગેએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં આપેલ ભાષણમાં માત્ર કોંગ્રેસની ટીકા કરી છે. તેમણે દેશના ઘણા મુદ્દાઓ પર વાત કરવું જરૂરી ન માન્યું. દેશમાં બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતા ચરમસીમાએ છે.’ તેમણે વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘જે લોકો બંધારણ પર વિશ્વાસ કરતા નથી, તેઓ કોંગ્રેસની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.’
તેમણે માત્ર કોંગ્રેસની ટીકા કરી : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘વડાપ્રધાને બંને ગૃહોમાં પોતાના ભાષણમાં માત્ર કોંગ્રેસને ટાર્ગેટ કરી. તેઓ છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં છે, પરંતુ તેમના પર વાત કરવા બદલે માત્ર કોંગ્રેસની ટીકા કરવાનું યોગ્ય માન્યું. તેમણે ગૃહમાં પ્રજા સાથે સંકળાયેલા મુદ્દાઓ, મોંઘવારી અને બેરોજગારી પર કોઈ વાત ન કરી.
NDAનો અર્થ કોઈ ડેટા નહીં : કોંગ્રેસ અધ્યક્ષ
તેમણે વધુમાં કહ્યું કે,‘વાસ્તવમાં NDAનો અર્થ એ જ છે કે, ‘કોઈ ડેટા નહીં.’ તેમની પાસે રોજગારીનો ડેટા નથી, આરોગ્ય સર્વેક્ષણ સંબંધીત ડેટા નથી. આ જ કારણે સરકાર તમામ ડેટા છુપાવે છે અને અસત્ય ફેલાવવું કામ કરે છે. મોદીની ગેરંટી માત્ર જૂઠ ફેલાવવાની છે. તેમણે બંને ગૃહોમાં યુપીએ સરકાર વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું. ’
વડાપ્રધાન મોદીએ ભાષણમાં શું કહ્યું હતું?
વડાપ્રધાને રાજ્યસભામાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે, કોંગ્રેસે નેરેટિવ ફેલાવ્યું અને તેનું પરિણામ શું આવ્યું, ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતાને માનનારાઓને હીન ભાવથી માનવામાં આવ્યા. આ પ્રકારે આપણા અતીત પ્રત્યે અન્યાયની નોબત આવી. આપણી જ માન્યતાઓને ગાળો આપે છે. જો તમે પોતાની જ સંસ્કૃતિને ગાળો આપો છો તો તમે પ્રોગેસિવ છો. આ પ્રકારના નેરેટિવ ઉભા કરાયા. તેમનું નેતૃત્વ ક્યાં, દુનિયા જાણે છે. બીજા દેશથી આયાત કરવી અને ભારતની કોઈ વસ્તુ છે તે બીજા દરજ્જાની છે. આ લોકો આજે પણ વોકલ ફોર લોકલ બોલવાથી બચી રહ્યા છે.
SC/ST અને OBCનો ઉલ્લેખ કરી પીએમ કોંગ્રેસ પર વરસ્યા
SC/ST અને OBCને અનામત ન આપવા બદલ વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમને સાત દાયકા સુધી જમ્મુ-કાશ્મીરમાં તેમના અધિકારોથી વંચિત રાખ્યા. કલમ 370 નાબૂદ થયા પછી જ તેમને તે અધિકારો મળ્યા. તેમની પાસે જમ્મુ-કાશ્મીરમાં ઘણા અધિકારો નહોતા, જે અમે તેમને કલમ 370 હટાવીને આપ્યા. પીએમ મોદીએ કહ્યું, એસસી સમુદાયમાં વાલ્મિકી સમુદાય સૌથી વધુ પીડિત હતો. 7 દાયકા પછી પણ તેઓ જમ્મુ-કાશ્મીરના લોકોની સેવા કરતા રહ્યા, પરંતુ તેમને સ્થાનિક નિવાસનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. આજે હું દેશને કહેવા માંગુ છું કે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત માટેનું બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે, બાબા સાહેબના વિચારોને ખતમ કરવામાં કોઈ કસર બાકી નથી. તેમને ભારત રત્ન આપવાની પણ કોઈ તૈયારી નહોતી. જ્યારે ભાજપના સમર્થનથી સરકાર બની ત્યારે બાબા સાહેબને ભારત રત્ન મળ્યો હતો. આટલું જ નહીં, સૌથી પછાત સમુદાયના સીતારામ કેસરીને ઉઠાવીને ફૂટપાથ પર ફેંકી દેવામાં આવ્યા હતા. તે વીડિયો પણ ઉપલબ્ધ છે અને દેશે તેને જોયો છે. સામ પિત્રોડા પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમનો એક માર્ગદર્શક અમેરિકામાં બેઠો છે, જે છેલ્લી ચૂંટણીમાં હુઆ તો હુઆ માટે પ્રખ્યાત થયો હતો. કોંગ્રેસ આ પરિવારની ખૂબ નજીક છે. તેણે ફક્ત બાબા સાહેબના યોગદાનને ઓછું બતાવવાનો પ્રયાસ કર્યો. દેશમાં પહેલીવાર NDAએ આદિવાસી દીકરીને રાષ્ટ્રપતિ બનાવી છે.