‘દોસ્ત, દોસ્ત ના રહા...’, વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે ખડગેનો વળતો જવાબ
Mallikarjun Kharge Attack On PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું ?
વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’
રાહુલ જાહેર કરે કે, અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો : વડાપ્રધાન
વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.’
તો અંબાણી-અદાણી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? PM મોદીના નિવેદન બાદ ઊભો થયો મોટો સવાલ