Get The App

'ધનખડનું વલણ પક્ષપાતી, તેઓ ખુદ પોતાને RSSના એકલવ્ય કહે છે...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બગડ્યાં

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
'ધનખડનું વલણ પક્ષપાતી, તેઓ ખુદ પોતાને RSSના એકલવ્ય કહે છે...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બગડ્યાં 1 - image


Mallikarjun Kharge Attack On Jagdeep Dhankhar : રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ઈન્ડિયા ગઠબંધને બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પર અનેક આરોપો લગાવ્યા. ખડગેએ કહ્યું કે, ‘આંબેડકરજીએ બંધારણમાં લખ્યું હતું કે, ભારતના ઉપ રાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ ગણાશે. રાજ્યસભાના પહેલા અધ્યક્ષ રાધાકૃષ્ણનજીએ 1952માં સાંસદોને કહ્યું હતું કે, હું કોઈ પક્ષનો નથી, તમામ પક્ષ સાથે જોડાયેલો છું, જે આ હોદ્દાની નિષ્પક્ષતા દર્શાવે છે.’ આ પ્રસ્તાવ લાવતા જ રાજ્યસભામાં હંગામો થયો, જેથી રાજ્યસભા 12મી ડિસેમ્બર સુધી અને લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. એ પહેલા ગૃહમાં થયેલી ચર્ચામાં પ્રસ્તાવ અંગેની બહુમતી વિશે ખડગેએ કહ્યું હતું કે, ‘પહેલા અવિશ્વાસનો પ્રસ્તાવ તો લાવવા દો, અમે નંબર્સની પણ વ્યવસ્થા કરી લઈશું.’

અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો અફસોસની વાત : ખડગે

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા અને કહ્યું કે, ‘સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, હું કોઈપણ પક્ષનો નથી, પરંતુ અફસોસની વાત એ છે કે બંધારણ અપનાવવાના 75માં વર્ષે આપણે રાજ્યસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પડ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું આચરણ પદની ગરીમાને અનુકુળ નથી. તેઓ ક્યારેક કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા લાગે છે, તો ક્યારેક પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એકલવ્ય ગણાવે છે. તેઓ વિરોધ પક્ષો સાથે પક્ષપાતી વ્યવહાર કરે છે, તેથી જ અમારે મજબૂરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે. વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય. રાજ્યસભાના અધ્યક્ષ હોવા છતાં ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે. સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ. ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે.’

‘ઉપરાષ્ટ્રપતિનું પદ લોકશાહી માટે એક મહત્ત્વનું સ્તંભ’

તેમણે કહ્યું કે, ‘ઉપરાષ્ટ્રપતિનું પદ લોકશાહી માટે એક મહત્ત્વનું સ્તંભ છે. આ પદ પર અનેક લોકો બેઠા છે અને ઘણું કામ કર્યું છે. આટલા લાંબા સમયગાળામાં કોઈપણ ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ આવો પ્રસ્તાવ લવાયો નથી, કારણ કે તમામે બિન પક્ષપાતી કામ કર્યું છે. પરંતુ આજે અમારે પક્ષપાતી વલણના કારણે દુઃખ સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો પડ્યો છે. નિયમોનું પાલન કરવામાં આવતું નથી.’

વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય : ખડગે

ખડગેએ તેમણે કહ્યું કે, ‘વિપક્ષના નેતાઓ પાંચ મિનિટ બોલે તો તેમનું 10 મિનિટનું ભાષણ હોય છે. વિપક્ષ દ્વારા સંસદમાં જે વિષય ઉઠાવાય છે, અધ્યક્ષ તેમના પર આયોજનબદ્ધ રીતે ચર્ચા કરવા દેતા નથી. વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય. રાજ્યસભાના અધ્યક્ષ હોવા છતાં ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે. સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ. ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે. વિપક્ષી સભ્યો સુરક્ષાની આશાએ તેમને મળવા જાય છે, ત્યારે પણ તેઓ વડાપ્રધાનના વખાણ કરવા લાગે છે.’ ખડગેએ આક્ષેપ કર્યો છે કે, તેમની નિષ્ઠા બંધારણ અને બંધારણીય પરંપરાઓના બદલે સત્તાધારી પક્ષ માટે છે.

આ પણ વાંચો : બંધારણના અપમાન મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારો

‘અમારી ધનખડ સાથે કોઈપણ અંગત દુશ્મની નથી’

તેમણે કહ્યું કે, ‘અમને દેખાઈ રહ્યું છે કે, તેઓ પ્રમોશન માટે સરકારના પ્રવક્તા બનીને કામ કરી રહ્યા છે. રાજ્યસભામાં અધ્યક્ષ જ સૌથી વધુ અવરોધ ઉભો કરી રહ્યા છે અને તેઓ બીજાને સલાહ આપતા રહે છે. તેઓ હંમેશા ગૃહને ઠપ કરવાનો પ્રયાસ કરે છે. અધ્યક્ષ વધુ અવરોધ ઉભો કરે છે. જ્યારે વિપક્ષ કોઈ મુદ્દો લઈને અધ્યક્ષ પાસે જાય તો તેઓ જાહેરમાં વડાપ્રધાનના ગુણગાન ગાવા લાગે છે. જો આવું જ હોય તો અમે ક્યાં જઈએ. જ્યારે અમે ગૃહમાં એક પ્રશ્ન પૂછીએ તો તેઓ સરકારનો પક્ષ લે છે. તેમના વર્તને દેશની ગરિમાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. તેમના વર્તને એવી સ્થિતિ ઉભી કરી છે કે, અમારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો પડ્યો છે. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. અમારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું છે.’

સ્પીકર ગૃહ નહીં, સર્કસ ચલાવે છે : સંજય રાઉત

શિવસેના યુબીટી રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ અધ્યક્ષ જગદીપ ધનખડ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ સિસ્ટમ માટેની લડાઈ છે. અધ્યક્ષ પોતે ગૃહની શરૂઆતના 40 મિનિટ પહેલા ભાષણ આપે છે અને તે પછી કહે છે હંગામો કરો. એવું લાગે છે કે સ્પીકર ગૃહ ચલાવતા નથી, તેઓ સર્કસ ચલાવે છે.’ સંજય રાઉતે અધ્યક્ષ પર સંસદીય લોકશાહીની પરંપરાઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.’

આ પણ વાંચો : ‘બાંગ્લાદેશ ન માનતું હોય તો હિન્દુઓની સુરક્ષા માટે...’, RSSનું મોદી સરકારને કડક સૂચન

અવિશ્વાસ પ્રસ્તાવ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો : જયરામ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, તેઓ ઉપરાષ્ટ્રપતિ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગતા નહોતા, પરંતુ  તેમના દ્વારા અત્યંત પક્ષપાતપૂર્ણ રીતે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવતી હોવાના કારણે ઈન્ડિયા જૂથ પાસે તેમના વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એક અહેવાલ મુજબ વિપક્ષી સૂત્રોનું કહેવું છે કે તેઓ ઓગસ્ટમાં ચોમાસુ સત્રમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગતા હતા. તે સમયે પણ તેમની પાસે ઈન્ડિયા બ્લોકના બધા જ પક્ષોના જરૂરી સંખ્યામાં હસ્તાક્ષર હતા, પરંતુ તેઓ વિવાદને આગળ વધારવા માગતા નહોતા અને જગદીપ ધનખડને એક તક આપવા માગતા હતા.

પ્રસ્તાવ પર 60 સાંસદોના હસ્તાક્ષર

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને નાસીર હુસૈને કોંગ્રેસ, રાજદ, તૃણમૂલ, સીપીઆઈ, સીપીઆઈ-એમ, જેએમએમ, આપ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિતના 60 સાંસદોના હસ્તાક્ષર સાથેની નોટિસ રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી. મોદીને આપવામાં આવી છે. વિપક્ષ બંધારણની કલમ 67(બી) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઈન્ડિયા ગઠબંધને આ નિયમ હેઠળ 14 દિવસની નોટિસ આપી છે. દેશના ઈતિહાસમાં પહેલી વખત ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. 

અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થવાની શક્યતા નહીવત્

જોકે, રાજ્યસભામાં વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થવાની શક્યતા નહીવત્ છે. કારણ કે અધ્યક્ષ જગદીપ ધનખરને હટાવવાનો પ્રસ્તાવ પસાર થવા માટે વિપક્ષ પાસે જરૂરી સંખ્યાબળ નથી. ઉપરાંત આ પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ થઈ જાય તો પણ તેનો સ્વીકાર કરવા માટે લોકસભામાં બહુમતથી તે પસાર થવો જરૂરી છે. આ પ્રસ્તાવ પાસ થાય તો ભારતના સંસદીય ઈતિહાસમાં રાજ્યસભાના અધ્યક્ષને હટાવવાનો આ પહેલો પ્રયાસ હશે અને તેને અધ્યક્ષ માટે શરમજનક સ્થિતિ તરીકે જોવામાં આવશે.

શું છે ચેરમેનને દૂર કરવાની પ્રક્રિયા?

રાજ્યસભાના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોની સહી સાથે પ્રસ્તાવ સચિવાલયને મોકલવાનો હોય છે. ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં આપવામાં આવેલી નોટિસ બાદ રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતીના આધારે પ્રસ્તાવ પસાર કરાય છે. ત્યાર પછી તે પ્રસ્તાવ લોકસભામાં મોકલવાનો હોય છે. રાજ્યસભાના અધ્યક્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે, જે બીજુ સર્વોચ્ચ બંધારણીય પદ છે. આ સ્થિતિમાં તેમને પદથી દૂર કરવા માટે જરૂરી પ્રસ્તાવ લોકસભામાંથી પણ બહુમતીથી પાસ કરવાનો હોય છે. જણાવી દઈએ કે, સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. 


Google NewsGoogle News