પોલીસ હુમલાખોરોને સુરક્ષા આપી રહી છે..' ન્યાય યાત્રા પર હુમલા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષનો ગૃહમંત્રીને પત્ર
ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રાને આસામમાં અટકાવવામાં આવી હતી
કોંગ્રેસ અધ્યક્ષે ગૃહમંત્રીને યાત્રામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી
Rahul Gandhi Nyay Yatra : રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)ને આસામમાં અટકાવવામાં આવી હતી. આસામ પોલીસે રાહુલ ગાંધી (Rahul Gandhi)ની યાત્રા પહોંચે તે પહેલા મોટી સંખ્યામાં બેરિકેડ્સ લગાવી દીધા હતા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને સમર્થકો બન્ને વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ હોબાળા અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ને પત્ર લખ્યો છે જેમાં તેમણે યાત્રા પર હુમલાનો આરોપ લગાવ્યો છે અને એવો પણ દાવો કર્યો છે કે આવા હુમલાઓ કરનારાઓને પોલીસ તરફથી સુરક્ષા પણ મળે છે.
+જ્યાં હુમલો થયો ત્યાના એસપી રાજ્યના મુખ્યમંત્રીના ભાઈ છે : મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે બે પાનાના લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "ભારત જોડો ન્યાય યાત્રાને આસામમાં જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી નથી. ભાજપના કાર્યકર્તાઓ આ યાત્રા પર હુમલો કરી રહ્યા છે અને આસામ પોલીસ આવું કરનારાઓને સુરક્ષા આપી રહી છે. મલ્લિકાર્જુન ખડગેના અનુસાર, “21 જાન્યુઆરીએ સોનિતપુર જિલ્લામાં યાત્રા પર હુમલો થયો હતો. જ્યાં સ્થાનિક એસપી રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના ભાઈ છે, એસપીએ હુમલો કરનારા ભાજપના કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ પર અને અમારા મહામંત્રી જયરામ રમેશ પર પણ હુમલો કર્યો હતો.
'આસામ પોલીસ હુમલાખોરોને સુરક્ષા આપતી રહી' : કોંગ્રેસ અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષના પત્ર મુજબ, “ભાજપ કાર્યકર્તાઓએ આસામ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભૂપેન બોરા પર હુમલો કરતા ઘાયલ થયા હતા. બીજા દિવસે 22 જાન્યુઆરીએ ભાજપના કાર્યકરોએ નાગાંવ જિલ્લામાં રાહુલ ગાંધીના કાફલાને રોકીને તેમની ખૂબ નજીક પહોંચી ગયા હતા. " તેમણે એમ પણ કહ્યું હતું કે આ બધી ઘટનાઓ દરમિયાન આસામ પોલીસે ભાજપના કાર્યકરોની સુરક્ષા આપવાનું ચાલુ રાખ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષે ગૃહમંત્રીના હસ્તક્ષેપની કરી માંગ
મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યાત્રામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. ખડગેએ કહ્યું, "ન્યાય યાત્રામાં થયેલા હુમલા અને હોબાળાનો વીડિયો સાર્વજનિક પ્લેટફોર્મ પર છે પરંતુ કોઈપણ હુમલાખોરો સામે ન તો કોઈ કેસ નોંધવામાં આવ્યો છે અને ન તો કોઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. અમે યાત્રા સાથે આગળ વધી રહ્યા છીએ. તમે (શાહ ) આ મામલે હસ્તક્ષેપ કરો જેથી આસામના મુખ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક ભવિષ્યમાં આવા હુમલા ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ કરે, જેથી રાહુલ ગાંધી અથવા કોંગ્રેસના અન્ય કોઈ સભ્યને ઈજા ન પહોંચે."