મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ : નીતીશકુમારને સંયોજકની ઓફર : INDIAની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ : નીતીશકુમારને સંયોજકની ઓફર : INDIAની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો 1 - image


- આ વર્ચ્યુઅલ બેઠકમાં સીટ-શેરિંગ વિષે પણ ચર્ચા થઈ, બેઠકમાં મમતા, ઉદ્ધવ અને અખિલેશ સામેલ ન થયા

નવી દિલ્હી : ઇન્ડીયા ગઠબંધનની આજે વર્ચ્યુલ બેઠક મળી, બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ગઠબંધનના અધ્યક્ષ પદે રખાયા. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ નીતીશકુમારને ગઠબંધનના સંયોજક બનાવાયા છે. આ ઉપરાંત આ બેઠકમાં સીટ-શેરિંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંયોજક પદના પ્રસ્તાવ પૂર્વે નીતીશકુમારે કહ્યું હતું કે મને કોઈપદની લાલસા નથી.

આ બેઠકમાં રાજદ પ્રમુખ લાલુ યાદવ તેના પુત્ર તેજસ્વી યાદવ એન.સી.પી ચીફ શરદ પવાર, દિલ્હીના મુ.મં. અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ ઉપસ્થિત હતા.

આ પૂર્વે પ.બંગાળનાં મુ.મં. મમતા બેનર્જીએ તેમનાં નામનો વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યો હતો. પરંતુ આ બેઠકમાં તેઓ હાજર રહ્યાં ન હતાં. આમ અરવિંદ કેજરીવાલે તેઓના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ વર્ચ્યુલ બેઠકમાં પણ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી ઉદ્ધવ ઠાકરે અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સામેલ થયા ન હતા.

આ બેઠક અંગે નિરીક્ષકોનું કહેવું છે કે આટલો સમય વીતી ગયો પછીયે ઇંડીયા જુથમાં હજી સીટ-શેરિંગ અંગે નિર્ણય લઇ શકાયો નથી. આ મુદ્દો ગઠબંધન માટે ન ઉકેલી શકાય તેવી ગાંઠ સમાન બની રહેવા સંભવ છે. વળી આ ગઠબંધનમાં જોડાયેલા નાના પક્ષો પણ સીટોની ફાળવણીની માગણી કરી રહ્યા છે. બીજી તરફ મમતા બેનર્જી હવે આસમાનમાં ઊડી રહ્યાં છે. તેઓ ગઠબંધનના સૌથી મોટા પક્ષ કોંગ્રેસનાં વરિષ્ટ નેતા સોનિયા ગાંધીની પણ તેમની દિલ્હી યાત્રા સમયે, ઔપચારિક મુલાકાત પણ લીધી ન હતી. આ બધું આ સંઘ ક્યારે કાશીએ પહોંચશે ? તે આ તબક્કે તો કહી શકાય તેમ નથી.


Google NewsGoogle News