'હંમેશા પુરુષ જ ખોટા નથી હોતા': જાતીય સતામણી મામલે અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
'હંમેશા પુરુષ જ ખોટા નથી હોતા': જાતીય સતામણી મામલે અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી 1 - image


Image Source: Twitter

Allahabad High Court: જાતીય સતામણીના એક કેસની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું  કે, ભલે કાયદા મહિલાઓના હિતની રક્ષા માટે બન્યા છે પરંતુ 'હંમેશા પુરુષ જ ખોટા નથી હોતા'. કોર્ટે લગ્નના જૂઠા વચન આપીને જાતીય સતામણીના આરોપોની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. તમામ તથ્યો સામે આવ્યા બાદ કોર્ટે કહ્યું કે, આવા મામલામાં કેસને સાબિત કરવાની જવાબદારી આરોપી અને ફરિયાદી બંને પર હોય છે. જસ્ટિસ રાહુલ ચતુર્વેદી અને જસ્ટિસ નંદ પ્રભા શુક્લાએ કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, જાતીય સતામણી સાથે સબંધિત કાયદા મહિલા કેન્દ્રિત છે. 

આરોપી પર એસસી-એસટી એક્ટ હેઠળ પણ કેસ નોંધાયો હતો

તેનો હેતુ મહિલાઓની ગરિમા અને સમ્માનની રક્ષા કરવાનો છે. પરંતુ એ પણ ધ્યાન રાખવું પડશે કે, હંમેશા પુરુષ જ ખોટા નથી હોતા. કોર્ટે આરોપીને મુક્ત કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આ વાત કહી હતી. આરોપી પર એસસી-એસટી એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિત મહિલાએ 2019માં કેસ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, આરોપી મારી સાથે શારિરીક સબંધ બનાવતો રહ્યો અને વચન આપ્યુ હતું કે, હું તારી સાથે લગ્ન કરીશ. પરંતુ બાદમાં તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. એટલું જ નહીં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આ વ્યક્તિએ જાતિસૂચક શબ્દો કહ્યા હતા. 

આરોપી વ્યક્તિ વિરુદ્ધ 2020માં ચાર્જશીટ દાખલ કરાઈ હતી

આરોપી વ્યક્તિ વિરુદ્ધ 2020માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જોકે, ટ્રાયલ કોર્ટે 2023માં આરોપી વ્યક્તિને રેપ કેસમાંથી મુક્ત કરી દીધો હતો. કોર્ટમાં આરોપીએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે સંમતિથી શારિરીક સબંધ બાંધ્યા હતા. મેં મહિલા સાથે લગ્ન કરવાનો ત્યારે ઈનકાર કર્યો જ્યારે મને એ વાતની જાણ થઈ કે, તે યાદવ સમાજની નથી. જોકે, મહિલાએ એવો દાવો કર્યો હતો કે, હું યાદવ સમાજની છું. આટલું જ નહીં આ સમગ્ર કેસની તપાસ બાદ કોર્ટને જાણવા મળ્યું કે, આરોપ લગાવનાર મહિલાની પહેલા પણ 2010માં કોઈ વ્યક્તિ સાથે લગ્ન થયા હતા પરંતુ બે વર્ષ બાદથી જ તે અલગ રહેવા લાગી હતી. 

આરોપ લગાવનાર મહિલાએ પોતે પહેલા લગ્ન છુપાવ્યા

કેસની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપ લગાવનારી મહિલાએ પોતાની પહેલા લગ્નની વાત પણ છુપાવી હતી. આ ઉપરાંત જાતિ પણ છુપાવી હતી. તેના પર કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો.


Google NewsGoogle News